અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના સાણંદમાં એક મેગા રોડ શો કર્યો હતો. શાહ ગાંધીનગરમાં ત્રણ રોડ-શો કરશે અને એક ચૂંટણીસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ શુક્રવારે ગાંધીનગર લોકસભા સીટ માટે નામાંકન દાખલ કરશે. શાહ બુધવારે અમદાવાદ પહોંચ્યા હતા અને ચૂંટણી ઝુંબેશનો વહીવટ કરવાવાળા સાથે બેઠકો કરી હતી.
ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલથી શાહે મેગા રેલી યોજી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદમાં ફૂલોથી શણગારેલા ટ્રકમાં શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી. આ રેલીમાં કડક ગરમીમાં પણ માનવમેદની ઊમટી પડી હતી. શાહે રેલીમાં ઊમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા હતા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી.
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના જનપ્રિય ઉમેદવાર શ્રી @AmitShah જીનો ભવ્ય રોડ શો સ્થળ: સાણંદ https://t.co/vfmNkjlQwn
— BJP Gujarat (@BJP4Gujarat) April 18, 2024
આજે અમિત શાહ લોકસભાની ગાંધીનગરની બેઠકને જીતવા માટે ભવ્ય રોડ સાથે જનસભાને સંબોધશે. ગાંધીનગરને બાદ કરતાં તમામ છ વિધાનસભામાં રોડ શો યોજશે. આ રોડ શોના માધ્યમથી શાહ લોકસંપર્ક કરશે. સાણંદથી અમિત શાહ રોડ શોની શરૂઆત કરશે. સાણંદ બાદ કલોલ અને અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. આ સમયે ભાજપ આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે વેજલપુરમાં અમિત શાહની જંગી સભાનું આયોજન કરશે. આ રોડ શોમાં ભાગ લેનારને હાથ અને માથાના ભાગે કમળના સ્ટેમ્પ લગાવાયા છે.
આ રોડ શો દરમિયાન રાસ મંડળી, વૈદિક મંત્રોચ્ચાર, રાજસ્થાની, પંજાબી, મહારાષ્ટ્ર નૃત્યની પ્રસ્તુતિ રજૂ થશે. આ ઉપરાંત પાઇપ બેન્ડ શરણાઈ મંડળી સુરાવલી રેલાવશે. આ ઉપરાંત વિવિધ ગાયક કલાકારો પોતાની ગાયકી રજૂ કરશે.
લોકસભાની ચૂંટણીનું પ્રથમ રાઉન્ડ 19 એપ્રિલથી શરૂ થશે. 7 મેએ ગુજરાતની બેઠકો માટે વોટિંગ થશે. શુક્રવારે (19 એપ્રિલ, 2024) લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ સમયગાળામાં દરમિયાન, દેશનાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થશે.