અહીં માત્ર પુરુષો જ રમે છે ગરબા !

કહેવાય છે કે બાર ગામે બોલી બદલાય એવું કઇંક નવરાત્રિનું પણ છે. જુદા-જુદા શહેરો નવરાત્રિને લઈને જુદી-જુદી પરંપરાઓ જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ અમદાવાદમાં આવેલી કોઠની પોળ વિશે..

કોઠની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષો ગરબે ગરબે ઘૂમે છે. આ પરંપરાનું નાવીન્ય અને શ્રદ્ધાને લઇને અનેરું મહત્ત્વ ધરાવે છે.

હકીકતમામાં અમદાવાદની ભૂતની આંબલી પાસે આવેલી કોઠની પોળની માંડવી 200 વર્ષ કરતાંયે વધારે જૂની હોવાનું માનવામાં આવે છે. આ માંડવીની આસપાસ ફક્ત પુરુષો જ ગરબા રમે છે.

નવરાત્રિમાં રોજ રાત્રે આ પોળમાં પુરુષોના ગરબા યોજાય છે. જેમાં પુરુષો પોતે જ ગરબા ગાય છે અને ગરબે પણ ધૂમે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિતલભાઈ ભાવસાર કહે છે, અમારા ઘરેથી જ બધુ સંચાલન કરવામાં આવે છે. જેમાં એકમથી પાંચમ સુધી સિંગલ માંડવી હોય છે, પછી દિવાવાળી માંડવી હોય છે અને આઠમથી લઈ દસમ સુધી ફુલવાળી માંડવી હોય છે. આ માંડવીને ફરતે માત્ર પુરુષો જ ગરબા રમે છે. માંડવીને ખસેડી લીધા બાદ જ સ્ત્રીઓ ગરબે ધૂમી શકે છે.

 

દર વર્ષે શારદીય નવરાત્રિના સાતમથી દશેરા સુધી માંડવીને સુંદર રીતે શણગારવામાં આવે છે. આ શણગાર તથા સુંદર ફુલોની રંગોળી બનાવવાનું કામ પુરુષોજ કરે છે. અહીંયા દશેરાની આખી રાત ગરબા થાય છે. અને અગિયારસના દિવસે માંડવીને વળાવવામાં આવે છે. કહેવાય છે કે માંડવીની આસપાસ મહિલાઓ ગરબે રમે કે નહીં એ માટે માતાજીના ફોટા આગળ ચારથી પાંચ વખત ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે. જેમાં વધુ વખતે ચિઠ્ઠીમાં ના જ લખેલી હોય છે. જો કે માતાની માંડવીને ક્રોસ કરીને કે પછી માંડવી ઉઠાવી લીધા પછી મહિલાઓ ગરબે ઘુમી શકે છે. પરંતુ જ્યાં સુધી માંડવી હોય ત્યાં સુધી મહિલાઓ ગરબા નથી રમતી.

ઉપરાંત માતાજીની માંડવી શણગારવાથી લઇને તમામ કાર્ય પુરુષો દ્ધારા જ કરવામાં આવે છે. અમદાવાદની પોળમાં થતી આ યુનિક નવરાત્રિને જોવા લોકો દૂર દૂરથી આવે છે.

(હેતલ રાવ-અમદાવાદ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

વિડીયો જોવા માટે કરો ક્લિક: