આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

એકબાજુ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર રિજનના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી બે દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજે શહેરનું તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું છે. જે નોર્મલથી નીચું છે. જો કે આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. શક્યતા છે કે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું  સત્તવાર વિદાય લઈ શકે છે.