દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને ચોમાસાની ગતિવિધિને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આઠ અને નવ ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યના અરવલ્લી, મહિસાગર, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવમાં પણ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં પાંચ ઈંચ વરસાદ ખાબકી જતાં અહીં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં તથા સાંકળી જગ્યાઓમાં પાણી ભરાઈ જવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદના લીધે ડેમોમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે.પાછલા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત  60થી વધુ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ વઢવાણમાં પાંચ ઈંચ, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ, બોટાદમાં ચાર ઈંચ, ઉનામાં ચાર ઈંચ, સુરતમાં ત્રણ ઈંચ, મહુવામાં ત્રણ ઈંચ, જોટાણામાં અઢી ઈંચ, માંતરમાં અઢી ઈંચ વરસાદ થયો છે.  વધુ રાજ્યમાં સીઝનનો 74 ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં સરેરાશ 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.48 મીટર પહોંચી છે. આ ડેમમાં પાણીનો કુલ જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]