CWG 2022: બજરંગ પૂનિયા, સાક્ષી મલિકને ગોલ્ડ મેડલ

બર્મિંગહામઃ પાંચ ઓગસ્ટની રાત ભારત માટે યાદગાર બની છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ દિવસે ભારતના છ પહેલવાનોએ- મેટ પર ઊતરેલા બધાએ મેડલ જીત્યો હતો. અંશુ મલિકે કુસ્તીમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો, જ્યારે દિગ્ગજ પહેલવાન બજંરંગ પૂનિયાએ દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

બજરંગ પૂનિયાએ પુરુષોના 65 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અંશુ મલિકે મહિલાઓની 57 કુગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બજરંગ પૂરનિયાએ ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલની હેટટ્રિક પૂરી કરી હતી. બજરંગ એ પહેલાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ મેડલોની હેટટ્રિક મેળવી ચૂક્યો છે. બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે મેં મારી તરફથી સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. આજે હું કોઈ પણ દબાવ વગર રિંગમાં ઊતર્યો હતો અને મેં મારા મગજ પર જરાય ભાર નહોતો આપ્યો.

ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે 62 કિગ્રાની ફાઇનલમાં કેનેડાની એના ગોર્ડિનેસ ગોંઝાલેસને ચિત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણે ચાર પોઇન્ટ પાછળ પડવા છતાં કેનેડાની એના ગોર્ડિનેઝ ગોંઝાલિસને હરાવી દીધી હતી. સાક્ષી ગોલ્ડ જીત્યા પછી ભાવનાઓ પર કાબૂ નહોતી રાખી શકી. તે મોડલ સેરેમનીમાં ભાવુક થઈ હતી.આ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 26 મેડલ જીત્યા છે, જેમાં નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ છે. ભારતને શનિવારે એક ડઝન ગોલ્ડ મેડલ મળવાની આશા છે,એમાં કુસ્તીથી માંડીને એથલેટિક્સ, લોન બોલ્સ અને ટેબલ ટેનિસ સામેલ છે.