રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં હનુમંત કથા, પાલખી યાત્રા યોજાઈ

અમદાવાદઃ અયોધ્યાના ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં  22 જાન્યુઆરી, 2024ના સુવર્ણ દિને 500 વર્ષના ઇતિહાસ બાદ રામલ્લા બિરાજમાન થવાના છે ત્યારે સનાતન ધર્મ માટે આ ગૌરવ અને ઉત્સાહની ક્ષણ છે. સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના હેતુંથી વિશ્વ ઉમિયાધામ-અમદાવાદ દ્વારા મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામના પ્રિય એવા ભગવાન હનુમાનજીની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ પ્રસ્તુત શ્રી હનુમંત કથાનું  25થી 29 ડિસેમ્બર-2023 કલોલ, ગાંધીનગરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કથાના મુખ્ય યજમાન લક્ષ્મણજી પી. ઠાકોર (બકાજી) ધારાસભ્ય, કલોલ, પરિવારના ઘરેથી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

પોથીયાત્રાની કથા મંડપમાં પધરામણી થઈ ત્યારે સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલ અને સંસ્થાના હોદ્દેદારો તથા દૈનિક યજમાન પરિવરના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વધામણાં કર્યાં હતાં. ત્યાર બાદ પ.પૂ. કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી – પુરાણાચાર્યના મુખેથી હનુમંત કથાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે કલોલ શહેરના પૂર્વ ધારાસભ્ય તેમ જ નગરપાલિકા કોર્પોરેટરો સામાજિક આગેવાનો તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલથી સંતો-મહંતોએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.

આ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલ જણાવે છે કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમાજની છે. જેને લઈ કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામલ્લા ભવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા છે ત્યારે આ ક્ષણ અને અવસર આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે.