ગુજરાતી ગૌરવ: નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં સંસદસભ્ય તરીકે નોમિનેટ કરાયા

અમદાવાદ: નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ (એમપી) તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. 60 વર્ષની વયના નિમિલ પારેખ સિંગાપોરના નાગરિક છે અને ત્યાં 17 વર્ષથી વસવાટ કરે છે. બિઝનેસ ક્ષેત્રે અપવાદરૂપ સિદ્ધિઓ અને ફાઈનાન્સિયલ સાક્ષરતા ક્ષેત્રે પ્રદાન બદલ એમપી તરીકે નોમિનેટ કરીને એમનું બહુમાન કરાયું છે.

નિમિલ પારેખ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણી સુનિલ પારેખના નાના ભાઈ છે અને તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન તે ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપતા રહ્યા છે. હાલમાં તે ટિકેહાઉ કેપિટલમાં એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના પાર્ટનર અને હેડ તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે સિંગાપોર એક્સચેન્જમાં લિસ્ટેડ, સ્પેશ્યલ પર્પઝ એકવિઝિશન કંપની પેગાસસ, એશિયાના સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે.

નેતૃત્ત્વ અને નિપુણતા માટે પ્રસિદ્ધ નિમિલ પારેખ સિંગાપોરની વિવિધ સંસ્થાઓમાં સક્રિય છે. તેઓ સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ચેરમેન છે. સિંગાપોર બિઝનેસ ફેડરેશનમાં કાઉન્સિલ મેમ્બર તરીકેની કામગીરી સંભાળે છે. તેઓ મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે સ્થાપેલા એલિવનડી પ્લેટફોર્મમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંવાદમાં સહાયક બની ડિજિટલ ઈકોનોમીમાં ફીનટેકને આગળ ધપાવી રહ્યા છે.

સિંગાપોરની સંસદમાં પોતાના ભાઈની નિયુક્તિ સિદ્ધિ અંગે વાત કરતાં સુનિલ પારેખ જણાવ્યું કે “આપણા સૌના માટે આ ગૌરવની ક્ષણ છે. તેઓ ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક જ્ઞાન અને અનુભવ ધરાવે છે અને સિંગાપુરની સંસદમાં પણ અમૂલ્ય પ્રદાન કરશે.

નિમિલ પારેખ જેમ્સ કૂક યુનિવર્સિટી (સિંગાપોર)ની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય છે અને સિંગાપોરમાં ફાઈનાન્સિયલ સાક્ષરતા (લિટ્રસી) વધારવાના ધ્યેયથી કામ કરી રહ્યા છે. તેઓ કોમર્સમાં બેચલર ડીગ્રિ (ઓનર્સ) ધરાવે છે અને માસ્ટર્સ ડિગ્રી પણ ધરાવે છે. આ ઉપરાંત તેમણે  નોર્થ-ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી પણ હાંસલ કરી છે.