ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મોહનસિંહ રાઠવાને ગુજરાતના ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો એવોર્ડ અપાયો

ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વર્ષ 2020 માટે ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના વિધાનસભ્ય મોહનસિંહ રાઠવાને 2019ના વર્ષ માટે ‘શ્રેષ્ઠ વિધાનસભ્ય’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ અહીં વિધાનસભાના ચોમાસું સત્રના આજે ચોથા દિવસે આ એવોર્ડ્સની જાહેરાત કરી હતી.

રાજ્ય તરીકે ગુજરાતની 1960માં સ્થાપના કરાઈ ત્યારપછી આ પહેલી જ વાર રાજ્ય વિધાનસભાએ આ વર્ષથી એવોર્ડ આપવાનું શરૂ કર્યું છે.

બંને વિધાનસભ્ય – ચુડાસમા અને રાઠવાને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ચાંદીની ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી.

76 વર્ષના રાઠવા 10 વખત કોંગ્રેસના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. એ છોટાઉદેપુરની પાવી-જેતપુરનું પ્રતિનિધિત્ત્વ કરે છે. જ્યારે 70 વર્ષીય ચુડાસમા અમદાવાદની ધોળકા બેઠકના વિધાનસભ્ય છે.

આ એવોર્ડ માટે અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જેમ કે, સંસદીય પ્રક્રિયા વિશેનું જ્ઞાન, ગૃહમાં તેમજ જાહેર જીવનમાં વર્તણૂક, ગૃહમાં ઔચિત્ય જાળવીને હાજરી આપવી તથા કાર્યવાહીમાં સહકાર આપવો.

રૂપાણીએ ચુડાસમા તથા રાઠવાને અભિનંદન આપતા કહ્યું કે આ નવી પ્રણાલિકાથી અન્ય સભ્યો ચુડાસમા તથા રાઠવાનું અનુસરણ કરીને આ એવોર્ડ જીતવા પ્રોત્સાહિત થશે એવો તેમને વિશ્વાસ છે.