આગોતરા આયોજન અને વ્યવસ્થાપને વાયુની મોટી ઘાત ટાળી

0
1363

ગાંધીનગર- ગુજરાતમાં ત્રાટકી રહેલા વાયુ વાવાઝોડા પર દેશ જ નહીં દુનિયાભરની નજર છે ત્યારે વાયુ વાવાઝોડાની જેટલી તીવ્રતા છે એટલી જ તીવ્રતાથી સલામતીના આગોતરા પગલા ભરી, શિફ્ટિંગ જેવી કામગીરીથી ઝીરો ટોલરન્સ દાખવી, ઝીરો કેજ્યુઆલીટીના ધ્યેય સાથે વાવાઝોડાનો સામનો કરવામાં સરકારે દાખવેલો પુરુષાર્થ પ્રસંશનીય છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૪૮ કલાકથી વધુ સમયથી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા વાયુ વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ગત રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેમણે કન્ટ્રોલરૂમની મુલાકાતે આવીને કંટ્રોલરૂમથી વાયુ વાવાઝોડાની સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને દરિયાકાંઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વાયુ વાવાઝોડાની તમામ નાની-મોટી ખબર રાખવા અને જે-તે તંત્ર, વિભાગ કે તેમના અધિકારીઓને જરૂરી સૂચના આપવા ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનાં સીધા માર્ગદર્શન હેઠળ ૧૪ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે.

મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઈ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જેઓ મુખ્યપ્રધાનનાં આદેશ મુજબ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકથી વધુ સમયથી જે પ્રકારે રૂપાણી સરકાર વાયુ વાવાઝોડા સમક્ષ આગોતરા આયોજન અને વ્યવસ્થાપન દ્વારા પોતાનું પાણી બતાવી રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે, રૂપાણી સરકારે ગુજરાત પરથી મોટી ઘાત ટાળી છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર કચ્છના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી પળેપળની સ્થિતિની માહિતી મેળવી રહ્યા છે. વાયુ વાવાઝોડાની ગંભીરતા પારખી મુખ્યપ્રધાનનાં આદેશથી અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ૭૦૦ જેટલા સ્થળાંતર કેમ્પ બનાવવામાં આવ્યા છે અને સ્થળાંતર થયેલા લાખો લોકો સુધી ફૂડ પેકેટ્સ અને જરૂરી મેડિકલ સહાય પહોચાડવાની કામગીરી સફળતાપૂર્વક ચાલુ છે.

વાયુ વાવાઝોડાના ખતરાને પહોચી વળવા કચ્છના નલિયામાં ૬૦ મરીન કમાન્ડો સાથે ૩ બોટ, ૩૫ વાયરલેસ સેટ, લાઈફરિંગ સ્ટેન્ડબાય છે. સાથોસાથ કચ્છમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સંપૂર્ણપણે સજ્જ છે. ફાસ્ટ બોટ તેમજ રેસ્ક્યુ ટીમ પણ તૈયાર છે. ભારતીય વાયુસેનાના ૯ હેલીકોપ્ટર જામનગર, વડોદરા અને અમદાવાદમાં રાખવામાં આવ્યા છે. રૂપાણી સરકારે NDRFની વધુ ૧૨ ટીમ બોલાવી લીધી છે. હાલ રાજ્યમાં કુલ ૪૮ NDRFની ટીમ તૈનાત છે. આટલું જ નહીં ઊર્જા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વિજ પુરવઠો ન ખોરવાઈ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વાયુ વાવાઝોડાની સમગ્ર સ્થિતિ અંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહ મંત્રાલય, હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે. આ સિવાય રૂપાણી સરકારે ટેલિકોમ ઓપરેટરો સાથે બેઠક કરીને તેમને એક કંપનીનું નેટવર્ક પ્રભાવિત થાય તો બીજી કંપનીના નેટવર્કનો ઉપયોગ શરૂ કરવા કહ્યું છે.

કોઈ જાનહાની નહીં

વાયુ વાવાઝોડાની ગંભીર અસર વચ્ચે હાલમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયાના કે કોઇપણને ઈજા પહોચ્યાનાં સમાચાર નથી. માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ કોઈ પ્રાણી પણ વાયુ વાવાઝોડામાં જાન ન ગુમાવે કે તેને હાની ન પહોંચે તે માટે ગીર સોમનાથમાં સિંહોની સલામતી માટેના પગલાં લેવા આદેશ કરવામાં આવતા વેરાવળ રેન્જના દરીયા કિનારા નજીક રહેતાં ૧૩ જેટલાં સિંહોને સલામત અને ઊંચાણવાળી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત સિંહોના સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને ૨૪ કલાક હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ વનવિભાગને એલર્ટ કરી ભારે પવન અને વરસાદની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.