વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાન્જેનો અમેરિકામાં પ્રત્યાર્પણનો આદેશ…

0
1210

લંડન-વિકીલિકસ પર અત્યંત મહત્ત્વના દસ્તાવેજો લીક કરી અમેરિકા સહિતની દુનિયાભરની સરકારોને હચમચાવનાર જૂલિયન અસાન્જને અમેરિકાને હવાલે કરવામાં આવશે. બ્રિટિશ ગૃહસચીવ સાજિદ જાવીદે વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાન્જેને અમેરિકા મોકલવાના પ્રત્યાર્પણ આદેશ પર સહી કરી દીધી છે. અસાન્જે પર અમેરિકી કોમ્પ્યૂટર્સ હેક કરવાના અને ત્યાંના કાયદા તોડવાનો આરોપ છે. જૂલિયન અસાન્જેની થોડાસમય પહેલાં બ્રિટન સ્થિત ઇક્વાડોરના રાજદૂતાવાસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. વિકીલિક્સ પર દસ્તાવેજો મૂકાયાં બાદ અસાન્જે તમામ ટોચની હસ્તીઓના નિશાને છે. 2010માં અસાન્જે ઉપર એક મહિલા દ્વારા યૌનશોષણ-રેપનો આરોપ લગાવાયો હતો, ત્યારબાદથી અસાન્જેએ ઇક્વાડોરના રાજદૂતાલયમાં શરણ લીધું હતું. અસાન્જે સેના અને કૂટનીતિ સાથે જોડાયેલાં ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાના આરોપમાં અમેરિકા પ્રત્યાર્પણ દ્વારા તેને પરત લાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી જે હવે સફળ થશે.બ્રિટિશ સરકારની આ મંજૂરી બાદ અમેરિકાને અસાન્જેને અમેરિકા લાવવામાં સફળતા મળી છે અને જૂલિયન અસાન્જે પર અમેરિકામાં થયેલાં કાયદાભંગ અંગે કોર્ટ કાર્યવાહી કરવાનો રસ્તો ખુલ્લો થયો છે.આપને જણાવીએ કે મોટામોટા કોર્પોરેટ અને દેશોની સરકારોની ગીપનીય માહિતીઓને જનતાના લાભાર્થે વિકીલિક્સ દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યાં હતાં જેનાથી વૈશ્વિક ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો હતો. અસાન્જેના અમેરિકા પ્રત્યાર્પણ આદેશ પર સહી થતાં જ તેમના સમર્થકોમાં બ્રિટિશ સરકાર સામે નારાજગી સોશિઅલ મીડિયા પર મોટાપ્રમાણમાં જોવા મળી રહી છે.