અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી દીધી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ધોરણ-12ના વિદ્યાર્થીઓના હિતમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ગઈ કાલે કેન્દ્ર સરકારે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ કરી હતી. CBSEની ધોરણ-12ની પરીક્ષા રદ થયા બાદ સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને પરીક્ષા રદ કરવાનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો હતો.
મુખ્ય પ્રધાન, શિક્ષણપ્રધાન સહિતના અધિકારીઓ વચ્ચે બેઠકો યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેરવિચારણા કરવામાં આવી હતી. રાજ્ય સરકારની પરીક્ષા રદ કરવાની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ રાહત થઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલાં રાજ્ય સરકારે એક જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈ કાલે બોર્ડ દ્વારા મંગળવારે પરીક્ષાનું ટાઇમટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ધોરણ 12ના પરીક્ષા આપવા બેસનારા કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. જેમાં વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.
ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતાં હવે ટૂંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવામાં આવશે, એની પણ જાહેરાત કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વિશેષ રજૂઆત કરશે. જોકે હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની નજર સરકારની આગામી જાહેરાત પર જ રહેશે.
જોકે ધોરણ-12 અને 10ના રિપીટર મળીને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફક્ત એક મહિના પછી કોરોના માહોલ વચ્ચે પરીક્ષા કેવી રીતે આપશે એ સવાલ ઊભો થયો હતો.