36 શહેરોમાં ધંધા-રોજગાર માટે સમય વધારાયોઃ રાત્રિ-કરફ્યુ યથાવત્

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસોમાં નિયમિત રીતે ઘટાડો થતાં મુખ્ય પ્રધાન રૂપાણીએ વેપારીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેર કટિંગ સલૂનો બ્યુટી પાર્લર અને લારી-ગલ્લાવાળાને સવારના નવ કલાકથી સાંજે છ કલાક સુધીમાં ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જોકે રાત્રિ કરફ્યુ વધુ એક સપ્તાહ લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી. રૂપાણી સરકારે રાજ્યનાં 36 શહેરોમાં તમામ દુકાનો, માર્કેટિંગ યાર્ડ તેમ જ અન્ય વેપારી કામકાજને ચોથી જૂનથી સવારે નવ કલાકથી સાંજના 6 કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાને કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. જે મુજબ હવે રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રૂપાણી સરકારનો નિર્ણય લાગુ થશે.

રાજ્યનાં 36 શહેરોમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને કામકાજ માટે સમય વધારવામાં આવતાં વેપારીઓને રાહત થઈ છે. જોકે 36 શહેરોમાં 11 જૂન સુધી રાતના નવ કલાકથી સવારના છ કલાક સુધી રાત્રિ કરફ્યુ યથાવત્ રહેશે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે તો નવા 22 દર્દીઓનાં આજે મોત નીપજ્યાં છે. રાજ્યમાં 4869 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.21 ટકાએ પહોંચ્યો છે.