ગોધરા હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

પંચમહાલ: ગોધરામાં દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ શખસોનાં મોત થયાં છે. ગોધરાના નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત થયાં છે. કારચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો કારચાલક દારૂના નશામાં હોવાનું મનાઈ રહ્યું છે.

ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખસો રાત્રે બાઇક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઇક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર એક કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં ત્રણેય શખસોના કમકમાટીભર્યા મોત થયાં હતાં.

સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે એમ્બ્યુલન્સને આવવામાં વાર થઈ, જેના કારણે ત્રણેય યુવાનો બચી શક્યા નહીં. મૃતકોના સ્વજનો અને ફળિયાના રહેવાસીઓમાં આ ગોઝારા અકસ્માતને કારણે ભારે રોષ છવાયો હતો. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. તેઓ સાથે રજૂઆત માટે કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. મોડી રાત્રે ડીવાયએસપી સમજાવતાં મામલો થાળે પડ્યો હતો.