રાજ્યમાં પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસ ભારે વરસાદ પડશે.

અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે મધ્યમ વરસાદ વરસે એવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદ થઈ રહ્યો છે. વિભાગ અનુસાર વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે તો અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે.

હવામાન વિભાગે 20 જૂનથી માછીમારોએ દરિયો ના ખેડવા માટે ચેતવણી આપી છે. પાવાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદમાં પણ મેઘસવારી આવી પહોંચી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડતાં ધોરાજીના ખેડૂતો ખુશ થયા છે. વલસાડના કેટલાક વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ શરૂ થયો હતો. વરસાદના હાલાર રોડ, તિથલ રોડ, એમજી રોડ, મોટા બજાર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રસ્ત લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.