IC15 ઇન્ડેક્સમાં 1800 પોઇન્ટનું ગાબડું

મુંબઈઃ અમેરિકન સ્ટોક માર્કેટની જેમ હવે ક્રિપ્ટોકરન્સી માર્કેટ પણ મંદીની ભીંસમાં આવી ગઈ છે. બિટકોઇન શનિવારે 20,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો, જે ડિસેમ્બર, 2020 પછી પહેલી વાર બન્યું છે. આ સૌથી વધુ પ્રચલિત કોઇન 2017ની તેની સર્વોચ્ચ સપાટીની નીચે પહોંચી ગયો છે. તેના પરથી ખ્યાલ આવે છે કે માર્કેટમાં પ્રવાહિતાની કેટલી કમી સર્જાઈ છે. થ્રી એરોઝ કેપિટલ અને સેલ્સિયસે બન્ને ક્રિપ્ટો કંપનીઓની સમસ્યા હજી પૂરી થઈ નથી.

નોંધનીય છે કે બિટકોઇન આ વર્ષે 60 ટકા ઘટી ગયો છે અને ગયા નવેમ્બરમાં જોવા મળેલી 69,000 ડોલરની સપાટીથી 70 ટકા કરતાં વધુ નીચે છે. હજી તેમાં ઘટાડો થવાની શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. બિટકોઇનના માઇનર્સ કોઇન વેચી રહ્યા છે. જાહેર થયેલી માહિતી મુજબ ગયા મહિને એમણે 4411 બિટકોઇન વેચ્યા હતા. હવે ભાવ વધુ ગગડવાની આશંકાને પગલે માઇનર્સ 46,594 કોઇનમાંથી બીજા કોઇન પણ વેચે એવી શક્યતા છે.

વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન ઘટીને 840 બિલિયન ડોલર થઈ ગયું છે. અગાઉ,ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.65 ટકા (1,800 પોઇન્ટ) ઘટીને 25,240 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,040 ખૂલીને 27,434 સુધીની ઉપલી અને 24,304 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સ ડિસેમ્બર, 2020 પછીની તેની સૌથી નીચલી સપાટીએ છે.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
27,040 પોઇન્ટ 27,434 પોઇન્ટ 24,304  પોઇન્ટ 25,240 પોઇન્ટ
ડેટાનો સમયઃ 18-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)