શહેરમાં ભૂકંપ આંચકો અનુભવાયોઃ લોકો ઘરોમાંથી બહાર દોડ્યા

સુરતઃ રાજ્યના સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શહેરમાં સવારે 10.26 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હોત. આ આંચકાથી ભયભીત થયેલા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.5 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. આ ભૂકંપ રાજ્યના સુરત શહેરથી દક્ષિણ પૂર્વમાં 61 કિલોમીટર દૂર આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ જમીનથી સાત કિલોમીટર નીચે હતું, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું.

આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકાસનના અહેવાલો નથી. આ પહેલાં કચ્છમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા હતી. ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું.

કચ્છમાં ફોલ્ટથી દર વર્ષે 2.1 મિલીમીટર ખસી રહી છે કતરોલ હિલ

કચ્છના કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મિલીમીટર ખસી રહી છે. તેને કારણે ભારતીય પ્લેટ પર અત્યંત ખતરનાક અસર થશે. વર્ષ 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના નાના આંચકા એ સામાન્ય બાબત બની ગઈ છે. પણ છેલ્લા થોડા માસમાં ભચાઉ, રાપરની આસપાસ જે આંચકા લાગ્યા હતા તેથી સંશોધનકર્તાઓનું ધ્યાન તેમના ભણી આકર્ષાયું હતું.

અમદાવાદ સહિતનાં શહેરોમાં ભૂકંપનું મોટું જોખમ હોવાનું તારણ આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ક્ષેત્રોમાં 2001ની સ્ટાઈલથી અમદાવાદ સુધી તેની મોટી અસર થશે તેવી સંભાવના પણ વ્યકત કરવામા આવી હતી.