અમદાવાદઃ રાજ્યના અંકલેશ્વરમાં કરોડો રૂપિયાની MD ડ્રગ્સ પકડાયા બાદ મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાના સરહદે આવેલા મધ્ય પ્રદેશના જાંબુઆના મેઘનગર GIDC વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની DRIની ટીમ દ્વારા દરોડા પાડી અધધધ કહી શકાય તેમ રૂ. 168 કરોડ કિંમતની 112 કિલો જેટલી MD મેફેડ્રોન ડ્રગનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે દાહોદના બે અને વડોદરાના એક મળી કુલ ચાર લોકોની અટકાયત કરી હતી.
મેઘનગર GIDC વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં DRI ડાયરેક્ટેડ રેવન્યુ ઇન્ટેલિજન્ટની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરોક્ત ટીમોએ દરોડા દરમિયાન ઉપરોક્ત દવા બનાવતી કંપનીમાંથી 36 kg ડ્રગ પાઉડર 76 કિલોગ્રામ લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલોગ્રામ MD મેફેડ્રોન ડ્રગનો જથ્થો જપ્ત કરીને કંપનીને સીલ કરી હતી. આ સાથે સાથે કંપનીમાંથી ચાર વ્યક્તિની ધરપકડ કરી તેમની વિરુદ્ધ NDPS ન્યુ એક્ટ 21 (c), 25,27(A), 24 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉપરોક્ત દવા બનાવતી કંપનીમાં પકડાયેલા ડ્રગના જથ્થામાં DRIની ટીમ દ્વારા ફેક્ટરીમાંથી, કેમિકલ તેમ જ અન્ય મશીનરી જપ્ત કરી હતી. એટલું જ નહીં, ઉપરોક્ત વ્યક્તિઓ, ઇન્જેક્શન ફોર્મ, પાઉડર ફોર્મ તેમજ અન્ય એક ફોર્મ મળી કુલ 3 ફોર્મમાં MD ડ્રગ બનાવી રહ્યા હોવાનું એજન્સીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ તમામ બાબતો અંગે એજન્સી અને પોલીસ તપાસ કરી રહી છે.