દિવાળીઃ ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ મળી છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગારવધારો આપવામાં આવ્યો નહોતો. મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટે ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગારવધારાની માગને મંજૂર કરી હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં આ પગારવધારાની માહિતી આપી હતી. રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. રાજ્ય સરકારે 30 ટકાનો વધારો આપતાં કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે. રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાનો અમલ પહેલી ઓક્ટોબરથી થશે. આ પગલાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક રૂ. 500 કરોડથી પણ વધુ ભાર વધશે. આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરશે.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ .548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.