રાજકોટઃ માલિકે ઢોર માર મારી દલિતની કરી હત્યા, દલિતની પત્નીને પણ માર્યો માર

રાજકોટઃ દેશભરમાં દલિતો વિરૂદ્ધ હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર ઊના કાંડ જેવો મામલો સામે આવ્યો છે. રાજકોટની એક ફેક્ટરીના માલિક દ્વારા એક વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ યુવાન દલિત સમાજનો હોવાનું સામે આવ્યું છે.

આ વીડિયોમાં સ્પષ્ટતાપૂર્વક જોઈ શકાય છે કે દલિત વ્યક્તિને ફેક્ટરીના દરવાજા પાસે દોરડાથી બાંધીને ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવી રહ્યો છે. બાદમાં ફેક્ટરીનો માલિક આવે છે અને તે પણ લોખંડની પાઈપથી આ વ્યક્તિને ક્રૂરતા પૂર્વક માર મારે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફેક્ટરીમાં આ યુવક કચરો વીણવાનું કામ કરતો હતો અને ગઈકાલે મુકેશ પોતાની પત્ની સાથે કચરો લેવા માટે નીકળ્યો હતો. આ વ્યક્તિ જ્યારે કચરો એકત્ર કરી રહ્યો હતો તે સમયે ફેક્ટરીના ચાર-પાંચ જેટલા લોકો આવ્યા અને ફેક્ટરી પાસેથી કચરો વીણવાની મનાઈ કરવા લાગ્યા. અને એટલામાં જ તે લોકોએ આ વ્યક્તિને પકડી લીધો અને દરવાજા પાસે બાંધીને ઢોર માર મારવા લાગ્યા.

ફેક્ટરીના માલિક સહિત અન્ય લોકોએ આ વ્યક્તિની પત્નીને પણ માર મારી ત્યાંથી ભગાડી દીધી અને ત્યારબાદ દલિત યુવકને પકડીને દરવાજા પાસે બાંધી ઢોર માર મારવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર આ વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કર્યા પહેલા માર મારનાર વ્યક્તિઓએ તેને તેની જાતિ પણ પૂછી હતી.

ઢોર માર માર્યા બાદ બેભાન થઈ ગયેલા મુકેશને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યું થયું હતું. પોલિસે દલિત એટ્રોસિટીઝ એક્ટ હેઢળ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. મુકેશ અને તેનો પરિવાર પાંચ દિવસ પહેલા અહીં કામની શોધ માટે આવ્યા હતા. મુકેશ મૂળ ગુજરાતના જ સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી છે અને તેના પરિવારમાં પત્ની, એક દીકરી અને દીકરો પણ છે.

ત્યારે મુકેશનું આ પ્રકારે મૃત્યુ થતા આખો પરિવાર રઝળી પડ્યો છે અને ન્યાયની માગણી કરી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]