શિકારી ખુદ યહાં શિકાર હો ગયાઃ કરોડોના બિટકોઇન કૌભાંડમાં શૈલેષ ભટ્ટ સામે FIR નોંધાઇ

અમદાવાદઃ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ફરાર છે તેવા કરોડોના બિટકોઈન ખંડણી કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં શિકારી ખુદ શિકાર બને તેવી ઘટના સર્જાઇ ગઈ છે. ફરિયાદી શૈલેષ ભટ્ટને જ આરોપીના કઠેડામાં મૂકવામાં આવ્યો છે અને તેની સામે અપહરણ અને ખંડણીની એફઆઈઆ નોંધવામાં આવી છે.1 ફેબ્રુઆરી 18ના રોજ સૂરતની ઉઠી ગયેલી બિટ કનેક્ટ કંપનીના ધવલ માવાણીનું અપહરણ તેમ જ તેની પાસેથી બિટકોઈન પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે દીલિપ કાનાણી અને નિકુંજ ભટ્ટની ધરપકડ કરાઈ છે, જ્યારે શૈલેષ ભટ્ટ ગાયબ છે.સીઆઈડી ક્રાઈમે કરેલા ખુલાસા મુજબ સૂરતની કંપની બિટ કનેક્ટનું કૌભાંડ 1000 કરોડ રુપિયાને પણ આંબી જાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. મહત્વનું છે કે, સુરતમાં અનેક લોકોને નેક્સાકોઈનમાં રોકાણ કરાવનારા ‘બિટ કનેક્ટ’ના સંચાલક ધવલ માવાણી અને પીયૂષ સાવલિયાને સરથાણા રોડ પરથી ઉઠાવી લેવાયા હતા, અને તેમની પાસેથી 2200 બિટકોઈન પડાવાયા હતા, જેમાં શૈલેષ ભટ્ટ મુખ્ય કાવતરાખોર હતો.સીઆઈડીના જણાવ્યા અનુસાર, સૂરતમાં બિટ કનેક્ટ નામની કંપની સતીષ કુંભાણીએ શરુ કરી હતી, અને આ કંપનીએ કેટલીક સ્કીમો લોન્ચ કરી હતી. બે વર્ષ પહેલા બિટકોઈનમાં ઈન્વેસ્ટ કરવાની યોજના આ કંપની લાવી હતી, અને તેનો સોશિઅલ મીડિયા પર પ્રચાર કરાતો હતો. એકાદ વર્ષ પહેલા બિટ કનેક્ટે પોતાની વર્ચ્યુઅલ કરન્સી લોન્ચ કરી. બિટ કનેક્ટ નામની આ વર્ચ્યુઅલ કરન્સીમાં ઘણા લોકોએ રોકાણ કર્યું, જેમાં શૈલેષ ભટ્ટ અને તેના મિત્રો પણ હતા.

જોકે, એકાદ વર્ષ સુધી આ કરન્સી ચાલી આ વર્ષના જાન્યુઆરીમાં કંપની ઉઠી જતાં તેમાં લોકોના કરોડો રુપિયા ડૂબી ગયા. આ રુપિયા લઈ સતીષ કુંભાણી અને તેના સાગરિતો નાસી છૂટ્યા. કુંભાણી અને તેના સાગરિતો પાસેથી આ રુપિયા કઢાવવા શૈલેષ ભટ્ટે પોતાના માણસો રોક્યાં અને પીયૂષ સાવલિયાને બનાવટી આઈટી ઓફિસર બની ઉઠાવી લીધો.સાવલિયાએ ધવલ માવાણીનું નામ આપતા શૈલેષ અને તેના સાગરિતોએ માવાણીને ઉઠાવ્યો, અને તેની પાસેથી બળજબરીથી 2,256 બિટકોઈન પડાવ્યા, જેની કીમત 131 કરોડ રુપિયા જેટલી થતી હતી. શૈલેષે માવાણી અને તેના સાગરિતો પાસેથી લાઈટકોઈન પણ પડાવી તેને બિટકોઈનમાં ટ્રાન્સફર કરાવ્યાં, અને આંગડિયા દ્વારા પણ કરોડોનો હવાલો પડાવ્યો. આમ, શૈલેષે માવાણી પાસેથી 155.21 કરોડ રુપિયા પડાવ્યા, અને તેના ભાગ પડાયા. જેમાંથી શૈલેષના ભાગમાં સાતસોથી વધુ બિટકોઈન આવ્યાં હતાં.

સીઆઈડીના ડીજી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, શૈલૈષ ભટ્ટે પોતાની પાસેથી અમરેલીના એસપીએ બિટકોઈન પડાવી લીધા છે તેવી ફરિયાદ કરતા તેની તપાસ દરમિયાન આ પ્રકરણ બહાર આવ્યું હતું. હાલ સૂરત સીઆઈડી ક્રાઈમ દ્વારા દીલિપ કાનાણી અને નિકુંજ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે, અને તેમના રીમાન્ડ પણ માગવામાં આવશે. જ્યારે, આ કેસમાં ફરાર નલીન કોટડીયા સહિતના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.