કોંગ્રેસની ખેડૂતોનાં દેવાં માફી, મફત વીજળીની જાહેરાત  

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રસપ્રદ બની રહી છે. રાજ્યમાં વિવિધ પક્ષો મતદારોને રીઝવવા માટે વિવિધ પ્રલોભનો આપી રહ્યાં છે. મતદારોને આકર્ષવા માટે ગુજરાત કોંગ્રેસે પણ એમાં ઝુકાવ્યું છે. કોંગ્રેસે ખેડૂતોના રૂ. ત્રણ લાખનાં દેવાં માફ કરવાની અને ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી.

ગુજરાત કોગ્રેસ પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત છે કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના રૂ. ત્રણ લાખ સુધીનાં દેવાં માફ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, ખેડૂતોને મફતમાં 10 કલાક વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત પક્ષે  જાહેરાત કરી હતી કે તમામ તાલુકાઓમાં ખેડૂત સહાય કેન્દ્ર ઊભાં કરવામાં આવશે. જમીનની ફરીથી માપણી કરવામાં આવશે. પશુપાલકોને એક લિટર દૂધદીઠ રૂ. પાંચ રૂપિયા સબસિડી આપવાની પણ જાહેરાત કરી હતી.

પક્ષે જાહેરાત કરી હતી કે ખેડૂતો માટે સિંચાઇના દરોમાં 50 ટકા ઘટાડો કરાશે. એ સિવાય સહકારી માળખામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનુ કોગ્રેસે વચન આપ્યું હતું. તેમણે  કહ્યું હતું કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ આપીશું.. શિક્ષિત બેરોજગારોને રોજગાર આપીશું.

રાજ્યના ખેડૂતોને ખુશ કરવા માટે કોંગ્રેસે ચૂંટણી પહેલાં જાહેરાત કરી છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ ખેડૂતોનાં વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો વીજ વપરાશ અને વધારાની વીજળી વેચી શકે એ માટે સોલાર -વિન્ડ મિની ફાર્મિંગ માટે પણ સહાય કરવામાં આવશે. જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ પહેલી કેબિનેટમાં તમામ ખેડૂતોના રૂ ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરવામાં આવશે.