નર્મદા નદી બે કાંઠેઃ ડેમની સપાટી ૧૩૩.૯૫ મીટરે

અમદાવાદઃ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના SOU-એકતાનગરમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨ ઓગષ્ટે ૧૩૩.૯૫ મીટર પહોંચી છે, જેમાં દર કલાકે પાણીની સપાટીમાં આશરે સરેરાશ ૩થી ૪ સેમી વધારો થઈ રહ્યો છે. જેથી ડેમમાં આશરે સરેરાશ ૧.૮૦ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૭૮૬૧ મિલિયન ક્યુબીક મીટર (MCM) નોંધાયું છે. વળી, છેલ્લા ૨૫ દિવસથી પ્રતિ દિન રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, એમ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગે જણાવ્યું હતું.

સરદાર સરોવર ડેમમાં હાલમાં છેલ્લા ૨૫ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા છ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, જેને કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા. ચાર કરોડની કિંમતની ૨૦ મિલિયન યુનિટ વીજઉત્પાદન થઈ રહ્યું છે. આ વીજઉત્પાદન બાદ દૈનિક ધોરણે આશરે સરેરાશ ૪૫,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે, જે સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે આ જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ચાર કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અગમચેતીve પગલારૂપે એલર્ટ છે અને તમામ વિભાગોને સાવચેત રહેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીનો ૮૩ ટકા જથ્થો ભરાયેલો છે.