રાજ્યમાં પાંચ દિવસ ઠંડો પવન ફૂંકાશે

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કોલ્ડ-વેવની આગાહી કરી હતી. રાજ્યનાં આઠ શહેરોમાં પારો 10 ડિગ્રી નીચે જતું રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછું ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હજી આગામી બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે.

રાજ્યમાં ફરી એક વાર કડકડતી ઠંડીનો અનુભવ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે કોલ્ડ-વેવની સ્થિતિ યથાવત રહેશે. રાજ્યનાં આઠ શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડ્યું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

કાશ્મીરમાં આ વર્ષે ઠંડીએ ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો

કાશ્મીરમાં આ વર્ષે ઠંડીએ ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને હિમ વર્ષાએ છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શ્રીનગરમાં 26 જાન્યુઆરી ચાર-પાંચ ફૂટની હિમવર્ષા થઈ છે. દક્ષિણ કાશ્મીરથી લઈને મધ્ય કાશ્મીર સુધી બરફનો વરસાદ થયો છે.

રાજયમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. 27થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતર ભારતથી લઈ ગુજરાત સુધી થશે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે.