વીંછિયા ગામે વાદી વસાહતમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સાણંદઃ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા સાણંદ તાલુકાના વીંછિયા ગામે વાદી વસાહતમાં આવેલ સમજુનાથ વાદી પાઠશાળા ખાતે આજે દેશના ૭૨મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના બોર્ડ મૅમ્બર દિવ્યાબેન પટેલે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અહીં વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે તંબુ શાળા શરુ કરવામાં આવી છે.

મુખ્ય મહેમાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લોકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, નાના બાળકો ભવિષ્યની ધરોહર છે, તેમનામાં નાની ઉંમરથી જ રાષ્ટ્રભાવના કેળવાય તે પ્રકારનું શિક્ષણ અપાય તે પણ એટલું જ જરૂરી છે. સમજુનાથ વાદી પાઠશાળામાં હાલ ૭૨  જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક અભ્યાસ કરે છે.

માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટે કહ્યું કે, ‘માનવ સેવા ટ્રસ્ટ આ સમુદાયની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે હંમેશા પ્રતિબધ્ધ રહ્યું છે. આગામી વર્ષોમાં આ બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર સિંચન તેમજ બહેનો ભરતગુંથણની તાલીમ મેળવી અન્ય ગૃહઉદ્યોગમાં જોડાય તેવો પ્રયાસ કરાશે. આ લક્ષ્યથી માનવ સેવા દર વર્ષે વાદી સમુદાયની વસાહતમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે.’

આ પ્રસંગે સાણંદ સંસ્કાર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને સંસ્કાર વિદ્યા સંકુલના ડાયરેક્ટર જ્યોત્સનાબેન પટેલ, સંસ્થાના કર્મચારીો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.