ગુજરાતનું ગૌરવઃ કેશુભાઈ, મહેશ-નરેશ મરણોત્તર પદ્મ-એવોર્ડથી સમ્માનિત

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રતિષ્ઠિત એવા ‘પદ્મ’ એવોર્ડ્સની જાહેરાત કરી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના મોભી નેતા સ્વ. કેશુભાઈ પટેલ, ગુજરાતી ગાયક-કલાકાર બંધુઓ – સ્વ. મહેશ કનોડિયા અને સ્વ. નરેશ કનોડિયાને મરણોત્તર ‘પદ્મ’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સ્વ. કેશુભાઈને ‘પદ્મભૂષણ’ એવોર્ડ જાહેર કરાયો છે જ્યારે મહેશ-નરેશ બંધુઓને ‘પદ્મશ્રી’ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કળાના ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ દાદુદાન ગઢવી (કવિ દાદ)ને ‘પદ્મશ્રી’ આપવામાં આવ્યો છે. લેખક ચંદ્રકાંત મહેતાને પણ ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સ્વ. શ્રી ફાધર વાલેસ (પદ્મશ્રી મરણોત્તર) સમ્માનિત કરાયા છે. ‘પદ્મ’ સમ્માન મેળવનાર ગુજરાત બહાર વસતા અન્ય ગુજરાતીઓ છે – મુંબઈસ્થિત રજનીકાંત દેવીદાસ શ્રોફ (પદ્મભૂષણ, યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ – યૂપીએલ લિમિટેડના ચેરમેન) અને  જસવંતીબેન પોપટ (પદ્મશ્રી –શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મપુરસ્કારથી સમ્માનિત મહાનુભાવો માટે આનંદની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું કે સમ્માનિત વ્યક્તિઓએ દેશ અને માનવતા માટે આપેલા યોગદાનની ભારત દેશ કદર કરે છે. આ સમાચારથી ગુજરાતી સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ વર્ષે સરકારે કુલ 119 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. એમાં 7 નામાંકિતોને પદ્મવિભૂષણ, 10ને પદ્મભૂષણ અને 102ને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે.