રૂપાણીની તબિયત સારી: તબીબી-દેખરેખ માટે 24-કલાક હોસ્પિટલમાં

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગઈ કાલે સાંજે વડોદરામાં એક ચૂંટણી રેલીમાં સંબોધન કરતી વખતે અચાનક ચક્કર આવી ગયા હતા અને સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. એમણે સભા ટૂંકાવી દીધી હતી અને જ્યૂસ પીધો હતો. ત્યાંથી તરત જ એ ગાંધીનગર પાછા ફર્યા હતા. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રૂપાણીના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતાં કહ્યું છે કે રૂપાણીને અમદાવાદની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત હવે એકદમ સારી છે. 24-કલાક માટે એમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલના ડાયરેક્ટર ડો. આર.કે. પટેલે કહ્યું હતું કે રૂપાણીની તબિયત સ્થિર છે. એમના ઈસીજી અને સીટી સ્કેન સહિત તમામ મેડિકલ ચેકઅપ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમને માત્ર તબીબી દેખરેખ માટે 24-કલાક માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે રાતે જ ટેલીફોન દ્વારા રૂપાણી સાથે વાતચીત કરી હતી અને એમને તબિયતની કાળજી લેવા અને આરામ કરવાની સલાહ આપી હતી. ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ વડોદરા સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થવાનું છે. વડોદરામાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે રૂપાણી નિઝામપુરા વિસ્તારના મહેસાણાનગરમાં ચૂંટણી સભા સંબોધિત કરવા ગયા હતા.