ભાજપાધ્યક્ષે વિપક્ષને આડે હાથ લીધોઃ મોરબીમાં રોડ-શો  

રાજકોટઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યની બે દિવસની મુલાકાતે છે, તેઓ હાલ રાજકોટ પહોંચ્યા છે. શહેરના રેસકોર્સમાં જનપ્રતિનિધિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્ય મંત્રી પણ આ સંમેલનમાં હાજર હતા. ત્યાર બાદ તેમણે મોરબીમાં રોડ શો યોજ્યો હતો.  

રાજ્યની જનતાનો આભાર માનતાં તેમણે કહ્યુ હતું કે સૌરાષ્ટ્ર સંતો અને સાવજની ભૂમિ છે, હું આ ભૂમિને નમન કરું છું. સૌરાષ્ટ્રમાં આવીને બહુ ખુશ છું, કેમ કે તમે ભાજપને બહુમતીથી જિતાડ્યો છે. અમે સતત પ્રજાની સેવા કરતા રહીશું. આપણે મનપાની ચૂંટણીઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જનતાના આશીર્વાદ પક્ષને મળ્યાં છે.તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીજંગ તો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે.  કોંગ્રેસ પરિવાર વાદની પાર્ટી છે. આ કોંગ્રેસ નહીં ભાઈ-બહેનની પાર્ટી છે. અમે ખુરશી પર બેસવા નથી આવ્યા, અમે સત્તા હાંસલ કરવા નથી આવ્યા. અમારું લક્ષ્ય છે રાજ્યનો વિકાસ, અમે આ લક્ષ્ય સાથે રાજકારણમાં આવ્યા છીએ, કારણ કે સેવા અમારું માધ્યમ છે, એમ તેમણે કહ્યું હતું.

હું કોંગ્રેસને કહેવા માગું છું કે મોદીએ કોરોના સ્વદેશી રસી 9 મહિનામાં લોકોને પહોંચાડી છે. ભાજપે હંમેશા જીત હાંસલ કરી છે. અમે 303 લોકસભા બેઠક આપણે જીતી છે. ગુજરાતમાં 26 માંથી 26 લોકસભા જીતી છે.