આપ પાર્ટીનું જૂની પેન્શન યોજના લાગુ કરવાનું ‘ચૂંટણી’ વચન

વડોદરાઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની રાજ્યની મુલાકાતે છે, જ્યારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ઉત્તર ગુજરાતમાં યાત્રાનો પ્રારંભ કરાવશે.

વડોદરામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે જાહેર સભાને સંબોધી હતી. તેમણે કહ્ હતું કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં સરકારી કર્મચારીઓ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી કરી રહ્યા છે. હું ગેરંટી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો અમે જૂની પેન્શન લાગુ કરીશું. કોઈ પણ રાજ્યમાં ચૂંટણીમાં જિતાડવા કે હરાવવા માટે એ રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે. હવે અહીંની રાજ્ય સરકારને અહંકાર આવી ગયો છે,  હવે અહીંની સરકારને હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ.

તેમણે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ મને અપશબ્દો કહે છે. બંનેની ભાષા પણ એક જ છે. મારો વાંક શો છે? હું ગુજરાતની મોંઘવારી દૂર કરવાની વાત કરું છું. હું શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ મફત આપવા માગું છું. અમે ગુજરાતના લોકોની ભલાઈની વાત કરીએ છીએ. હવે બંને પક્ષ મારી સામે મોટા નેતાઓ ઉતારશે.

કેજરીવાલ ગુજરાત આવ્યા એ પહેલાં આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના એક ટ્વીટને કારણે રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. તેમણે વિરોધી પક્ષો પર વડોદરામાં કાર્યક્રમ નહીં કરવાનો આક્ષેપ કર્યો હતો. ગઢવીએ કહ્યું હતું કે ટીવી મિડિયાના પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે. કેજરીવાલની લોકપ્રિયતાથી ભાજપ ડરેલો છે. કેજરીવાલ વડોદરામાં કાર્યક્રમ ના કરે એ માટે 13 વધુ સભા સ્થળોના માલિકોને બુકિંગ રદ કરવામાં આવ્યું છે.