રાજ્યમાં ST કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકોનું આંદોલન સમેટાયું

ગાંધીનગરઃ રાજ્ય સરકાર હાલ બરાબરની ભીંસમાં છે. રાજ્યમાં એક બાજુ વિધાનસભાની ચૂંટણી માથે છે, ત્યારે પાટનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી આશરે વિવિધ 20થી વધુ આંદોલનો ચાલી રહ્યાં છે. હાલ પાટનગરમાં ખેડૂતો, માલધારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, અર્ધલશ્કરી દળના જવાનો, એસટી કર્મચારીઓ, મધ્યાહન યોજનાના કર્મચારીઓ, વનરક્ષકો પંચાયત કોમ્પ્યુટરના કર્મચારીઓ મનરેગા કર્મચારીઓ, હોમગાર્ડ, OPD મુદ્દે ડોક્ટરો, પ્રાથમિક શિક્ષકો અને આંગણવાડીની આશા વર્કરો સહિત 20થી વધુ આંદોલનો ચાલી રહ્યા છે, જેમાં કેટલાંક આંદોલનોમાં સરકારે સમાધાન સાધ્યું છે.

રાજ્ય સરકારે આ આંદોલનો પૈકી એસટીના કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકોની પડત માગોનું સમાધાન કર્યું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માગણીઓનો હકારાત્મક ઉકેલ તેમ જ પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, એમ વાહનવ્યવહારપ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.

તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે  ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં રૂ. 2000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેનો અમલ કરીને એ મુજબનું ચૂકવવાનું બાકી એરિયર્સ પહેલી ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં ચૂકવવામાં આવશે.

નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ૧૧ ટકાની અસર સપ્ટેમ્બર-૨૦૨૨ અને બાકી ત્રણ ટકા મોંઘવારી ભથ્થાની અસર પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૩થી આપવામાં આવશે. સરકારે એસટી કર્મચારીઓની 25 પડતર માગોને સ્વીકારી લીધી છે.

આ સાથે ભૂતપૂર્વ સૈનિકોનું આંદોલન પણ સમેટાયું છે. સરકારે ભૂતપૂર્વ સૈનિકોના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ કમિટી સૈનિકોના પ્રશ્નોને સાંભળ્યા પછી સરકારને અહેવાલ રજૂ કરશે. સરકારે સૈનિકોને આ વખતે લેખિતમાં બાંયધરી આપી છે. જો સરકાર હજી પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો સૈનિકો ફરી આંદોલનનો માર્ગ અપનાવશે.