જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મૌનવ્રત રાખીશ. એમ કહેનારા રામભક્ત આજીવન મોન રહ્યાં અને અંતે રામલલાની મૂર્તિ મંદિરમાં બિરાજમાન થાય એ સપના જોતા જોતા આંખો મીચીં. આજે આ રામભક્ત હયાત નથી પરંતુ એમણે જોયેલુ સમણું સાચુ થવા જઈ રહ્યું છે. ત્યારે જાણીએ આ રામભક્તની કહાની..
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. 500 વર્ષના લાંબા ઇંતજાર અને સંઘર્ષ પછી આ આનંદની ઘડી આવી છે. એવા અનેક લોકો છે જેમણે પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજે એના સપના જોયા હતા. પણ અફસોસ એમાંથી ઘણા લોકો આજે હયાત નથી. જેમાંથી એક નામ છે સ્વ. રમેશભાઈ તલાટીનું.
મૂળ નવસારી અને માતા-પિતાને છોડીને અમદાવાદ આવી ભાજપને સમર્પિત થનારા રમેશભાઈ માટે બીજેપી કાર્યલય એમનું ઘર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એમના માટે સર્વસ્વ હતા. નરેન્દ્ર મોદી જ્યારે બીજેપીના મહામંત્રી હતા ત્યારથી જ રમેશભાઈ તલાટી એમની આસપાસ રહેતા. ભાજપ માટે મરીમટવાનું એમનામાં જનૂન હતુ. શરૂઆતથી જ મોદી સાથે રહેતા માટે નરેન્દ્ર મોદીને પણ એમના પર અપાર પ્રેમ. રમેશભાઈ બીજેપી કાર્યલયમાં નાનું મોટુ કામ કરતા. જ્યાં સભાઓ યોજાય ત્યાં બેનરો બનાવવાનું અને લગાડવાનું કામ પણ એમનું જ રહેતું. અંગત જીવન અને જાહેર જીવન બંને સરખા જ હતા.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બીજેપી (ભાજપ) ખાનપુર કાર્યાલય ઈન્ચાર્જ હિંમતભાઈ સોલંકી કહે છે. “સ્વ.રમેશકાકાને બાધા તલાટીકાકાના નામથી જ ઓળખતા હતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમને ખુબ સાચવતા. મુખ્યમંત્રી બન્યા પછી અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમની સતત દેખરેખ રાખતાય તલાટીકાકા જ્યારે બિમાર પડ્યા ત્યારે મોદીજીએ જ એમને હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહ્યું અને હું એમની સેવામાં રહ્યો.”
આગળ વાત કરતા હિંમતભાઈ કહે છે, “તલાટીકાકા યુવાન હતા અને પ્રભુશ્રી રામના પરમભક્ત પણ હતા. એમની ખુબ ઈચ્છા હતા કે અયોધ્યામાં રામ મંદિર બને. યુવાનીમાં જ એમણે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મોનવ્રત રાખીશ. એમના અંત સમયનો હું સાક્ષી છું. એ જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધી એક શબ્દ પણ બોલ્યા નહીં. બસ ભગવાન પ્રત્યેની લાગણી અને પોતાની અંતિમ ઈચ્છા રામ નામ લખી નોટ પર ઉતારતા રહ્યાં. હજારોની સંખ્યામાં એમણે રામ નામથી નોટબુક ભરી છે.”
ઘણા લોકો તલાટીકાકાને કહેતા પણ ખરા કે કાકા બોલવાનું શરૂ કરો રામ મંદિર બનેશે ત્યારે બનશે. પરંતુ તલાટીકાકાએ પ્રાણ છોડ્યો પણ પ્રણ ન છોડ્યું. લગભગ 45થી 50 વર્ષ સુધી તલાટીકાકા મૌન રહ્યાં. આજે એ દેશ-વિદેશમાં ઉજવાઈ રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોવા માટે ભલે પ્રત્યક્ષ રીતે હાજર નથી. પરંતુ તલાટીકાકા કદાચ પ્રભુ ચરણમાં બેસીને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અયોધ્યાની રોનકને પરોક્ષ રીતે માણી રહ્યાં હશે..
(હેતલ રાવ)
