રામના 75 ગ્રંથો, 75 કળશ , 75 બાજોઠ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં શોભાયાત્રા નીકળી

અમદાવાદ : શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ પહેલાં શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં રામાયણના પાત્રો, પ્રસંગોને આવરી લેતી ઝાંખી, વેશભુષા અને શોભાયાત્રાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. શહેરની ગુજરાત યુનિવર્સિટી હાલ 75મો પારસ પર્વ ઉજવે છે. આ સાથે અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉત્સવની જેમ ઉજવણી કરાઈ રહી છે.

ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ

ગુજરાત યુનિવર્સિટી લાઈબ્રેરીના ગંથપાલ યોગેશ પારેખે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બેવડા મહોત્સવના અવસરે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય વિભાગ દ્વારા શ્રીરામ ભગવાનના 75 પુસ્તકો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રામાં ગુજરાત યુનિવર્સિટીના 75 વિભાગ જોડાયા. આ સાથે 75 બાજોટ મુકવામાં આવ્યા. 75 કળશ સાથે વિદ્યાર્થીનીઓએ ઉત્સવને વધાવ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભગવા ફેંટા, ધ્વજ, ઢોલ નગારા સાથે તરવરીયા યુવાન યુવતીઓ જોડાયા હતા.

સમગ્ર શોભાયાત્રામાં રામ, અયોધ્યા અને ભગવો છવાઈ ગયા

ગુજરાત યુનિવર્સિટી મુખ્ય ગ્રંથાલયથી નીકળેલી શોભાયાત્રામાં કુલપતિ ડો. નીરજા ગુપ્તા, રજીસ્ટ્રાર પી.એમ.પટેલ સહિત જુદા જુદા વિભાગના વડા, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને રામભક્તો જોડાયા હતા. સમગ્ર શોભાયાત્રામાં રામ, અયોધ્યા અને ભગવો છવાઈ ગયા.

(પ્રજ્ઞેશ વ્યાસ)