સુરતઃ આખા દેશમાં લૉકડાઉનમાં સૌથી કફોડી સ્થિતિ જો કોઈની થઇ હોય તો એ સ્થળાંતરિત કામદારોની છે. વતન છોડી બીજા પ્રદેશમાં ધંધા-રોજગાર માટે નીકળેલા લાખો કામદારો પોતાની કર્મભૂમિમાં અટકી પડ્યા છે. રહેવા અને ખાવાની પારાવાર મુશ્કેલી અનુભવતા આ કામદારોએ કોઈપણ રીતે વતન ભેગા થઇ જવું છે. જે નોકરી કરતા કે ધંધો કરતા એ બધું જ બંધ છે એટલે આ કામદારોની ધીરજ બહુ દિવસથી ખૂટી રહી હતી. સુરત, મુંબઈ કે દિલ્હીમાં વ્યાકુળ બનીને તોફાને ચઢેલા કામદારો માટે હવે વતન વાપસીના દ્વાર ખુલી રહ્યા છે અને ઘણા એ એ તરફ પ્રયાણ પણ કર્યું છે. આ સ્થિતિમાં અત્યારે અનેકે લોકો આગળ આવ્યા છે, પરંતુ જયારે કામદારો દિશાહીન હતા તે સમયે સુરત-નવસારીના સાંસદ સી.આર. પાટીલએ એક શરૂઆત કરી હતી. એ બહુ જોખમી હિમ્મત હતી, પોતાની પ્રતિષ્ઠા દાવ પાર લગાવીને સાંસદ સી.આર. પાટીલએ કામદારો વાપસી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિમર્શ કરીને એક પગલું ભર્યું હતું.
સુરતનાં કામદારો પોતાને વતન જઇ શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે એવી જાહેરાત કરી. જે પોતાની ખાનગી કારમાં કે ખાનગી બસ ભાડે કરીને વતન જવા માંગતું હોય તે વિગતો સાથે એક અરજી તૈયાર કરાવી, હજારો નિરાશ કામદારો વતન વાપસી આસ લઇ સાંસદના કાર્યાલય બહાર ભેગા થયા. પ્રથમ બે દિવસમાં જ લગભગ 9000 અરજી સાંસદ પાસે આવી હતી. આવેલી અરજીઓની ચકાસણી કરી એને મંજૂરી માટે કલેક્ટર પાસે મોકલાવતા ગયા હતા. આ પ્રક્રિયા સાથે જ રાજ્ય સરકારો સાથે વાટાઘાટ થઇ, ચર્ચા થઇ અને ધીમે ધીમે કામદારોની વતન-વાપસી થવાની શરૂઆત થઇ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ કામદારો સરળતાથી વતન પહોંચી શકે એ માટે એમને રોડ ટેક્સમાંથી પણ માફી આપી છે.
હવે દેશ આખામાં કામદારોની વતન-વાપસીની શરૂઆત થઇ ચૂકી છે, અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પણ પરત આવી શકે એ માટે ગુજરાત સરકારે પણ કાર્યવાહી કરી છે અને ઉચ્ચ આધિકારીઓની ટીમ બનાવી વિવિધ રાજ્યો વચ્ચે સંકલન કરીને બધા પોતપોતાના ઘરે આવી જાય પછી એના પ્રયત્નો આદર્યા છે. સાંસદ સી.આર. પાટીલના કાર્યાલય ઉપર ચાર જ દિવસમાં લગભગ 12000 જેટલી અરજી આવી હતી, એમાં અંદાજે 1 લાખથી વધુ કામદારોએ વતન-વાપસી માટે મંજૂરીની અરજી કરી છે. ઘણી બધી બસ, ફોર વ્હીલ વાહનો મંજૂરી સાથે નીકળી ગયા છે. નવી વ્યવસ્થામાં હવે મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન માટે તો જિલ્લાની સરહદ ઉપર જ મંજૂરી મળી રહી છે. એક વાત ચોક્કસ છે કે સાંસદ પાટીલની પહેલે સરકારને કામદારોની વતન-વાપસીમાં એક દિશા નિર્દેશ ચોક્કસ આપ્યો છે.
આ મુદ્દે જયારે કોઈ બોલતું ન હતું ત્યારે સુરત-નવસારીના સાંસદ સી.આર. પાટીલએ પહેલ કરી હતી અને હવે એ જ વાતને સરકારી સ્વરૂપ મળ્યું છે. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સેવાકીય કાર્યો કે બીજા કામો કરી સામાન્ય જનતાથી અંતર રાખતા હતા ત્યારે સી.આર.પાટીલએ સમગ્ર દેશમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દાને હાથમાં લીધો હતો. શરૂઆતમાં તો જશ અને અપજશ બંને આવ્યા પણ એમને કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વિમર્શ કરીને આ કામ હાથ પાર લીધું હતું. પાટીલ ‘ચિત્રલેખા ડોટ કૉમ’ સાથે વાત કરતા કહે છે, ‘લૉકડાઉન લંબાવાની શક્યતા છે, નજીકના ભવિષ્યમાં સુરતના મુખ્ય બંને ઉદ્યોગ હીરા અને કાપડ શરુ થઇ શકે એમ નથી. આ કામદારોની સેવા કરતી અનેક સામાજિક સંસ્થાઓ પણ હવે થાકવા લાગી હતી એવા સંજોગોમાં જો આ કામદારોને ભોજન ન મળે તો વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય એમ લાગ્યું અને અગમચેતીના પગલાં રૂપે જ અમે અમારા શીર્ષસ્થ નેતૃત્વ અને અમારી સરકાર સાથે પરામર્શ કરીને ખાનગી વાહનમાં મંજૂરીની વ્યવસ્થા કરી હતી. સુરતમાં રહેતા અસંખ્ય કામદારોનું કેહવું એમ જ હતું કે જો ઉદ્યોગ ચાલવાના ન હોય તો એમણે વતન જવું છે. હવે આ પ્રક્રિયા શરુ થઇ છે તો ચાર દિવસથી કોઈ ફૂડ પેકેટ કે કીટ નથી માંગતું બધાને જવા માટે મંજૂરી જ જોઈએ છે. સરકારે હવે આ નિર્ણય લીધો છે પછી આકુળ-વ્યાકુળ બનેલા કામદારો વતન-વાપસી માટે તૈયાર થયા છે.’
લૉકડાઉન શરુ થયું તે દિવસથી સાંસદ સી.આર.પાટીલ સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે. અનાજની કીટ હોય હોય મેડિકલ સાધન દરેક પ્રકારની જરૂરિયાત એમણે પૂરી કરી છે. પીએમકેર્સ ફંડમાં એમના માધ્યમથી લગભગ ત્રણ કરોડથી વધુની રકમ જમા થઇ છે. સુરત બહારથી આવતા આરોગ્ય કર્મચારીને આવવા-જવાની તકલીફ ઉભી થઇ તો એમણે બિલ્ડરો સાથે સંકલન કરીને અનેક ખાલી ફ્લેટ આ કર્મચારી માટે ઉપલબ્ધ કરાવ્યા છે. દેશ વિદેશમાં ફસાઈ ગયેલા અનેક લોકોને વતન પરત લાવવામાં પણ એમણે કડીરૂપ ભૂમિકા નિભાવી છે. એમનું કાર્યાલય સતત પ્રવૃતિશીલ રહ્યું છે. આમ પણ એ એમની ઓળખ સતત દોડતા, કામ કરતા અને નાવિન્યસભર પહેલ કરતા સાંસદ તરીકેની રહી છે. એ ઓળખને એમણે લૉકડાઉન દરમિયાન વધુ મજબૂત કરી છે.
(ફયસલ બકીલી)