અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના તમામ લક્ષ્ય નિર્ધારિત સમય પહેલા પૂર્ણ

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ રાજ્યમાં ભવ્ય સફળતા મેળવી છે. ત્યારે નડિયાદના આંબેડકર હોલમાં પોસ્ટ વિભાગ દ્વારા સહયોગીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

શ્રમિકો, કામદારોને લાઇફ અને હેલ્થ કવરનો બેવડો લાભ આપતી યોજનાના પાયલોટ પ્રોજેક્ટ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટમાં ખેડાના ૧,૦૩,૫૦૦ સહિત ગુજરાતના ૩,૩૦,૦૦૦ શ્રમિકો, કામદારોને આવરી લેવાયા છે. ખેડા જિલ્લામાં ૧ લાખ પોલિસિ ધારકોને આવરી લેવાનો લક્ષ્ય ૬૦ દિવસને બદલે માત્ર ૪૬ દિવસમાં જ પુર્ણ થયો.

શ્રમિકના આકસ્મિક નિધન સમયે પરિવારને ૧૦ લાખની સહાય, બાળકોના શિક્ષણ ખર્ચ માટે ૧ લાખ, શ્રમિકનો અકસ્માત થાય-દિવ્યાંગ બને તો તેનું વળતર અને હોસ્પિટલમાં સારવાર ખર્ચની ભરપાઈ જેવા લાભ કવર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ કે, અન્ય એશિયન દેશોની સરખામણીએ ભારતમાં લાઇફ ઇન્સ્યોરન્સનું પેનીટ્રેશન વધ્યુ છે. વીમા બાબતે લોકોમાં આવેલી જાગૃતિ અને ભારત સરકાર તેમજ ખાસ કરીને પોસ્ટ વિભાગના સક્ષમ પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ટપાલ વિભાગ દેશનું ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ત્યારે આ યોજનાના માધ્યમથી દેશના અગત્યના ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા ટપાલ વિભાગ ઉપર જનતાનો ભરોસો વધ્યો છે

મંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને તેનાથી રાષ્ટ્ર નિર્માણની પરિપાટી આપણને આપી છે.  આ ભગીરથ કાર્યની પાછળ સૌ કર્મચારીઓના મનમાં જોબ સેટિસ્ફેક્શન, યોજના સફળ બનાવ્યાનો સંતોષ મેળવવાની ભાવના હતી. શરૂઆતમાં આ ટાર્ગેટ અઘરો લાગતો હતો. પરંતુ ટપાલ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું ગ્રાઉન્ડ વર્ક, ફિલ્ડ પર સતત હાજર રહીને કામ કરવાની પરિપાટી અને પૂરતા ટેકનીકલ સપોર્ટને કારણે આ લક્ષ્યાંક સમયથી પહેલા પરિપૂર્ણ કરી શકાયો છે.

આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંત્યોદય શ્રમિક સુરક્ષાને રાજ્યમાં સફળ બનાવવા બદલ ટપાલ વિભાગ, અમુલ ડેરી અને ખેડા જિલ્લા વહીવટી તંત્રને ટેલિફોનિક ચર્ચા દરમ્યાન અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન લોક ભાગીદારીની શક્તિ જાણે છે અને એટલે જ દરેક યોજના અને અભિયાનમાં પબ્લિક પાર્ટીશીપેશનનો આગ્રહ રાખે છે.