કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલનું નિધન

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ખજાનચી અને રાજ્યસભાના સદસ્ય એહમદ પટેલનું 71 વર્ષની વયે આજે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એક મહિના પહેલાં એહમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમની તબિયત સતત લથડી રહી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એહમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે એહમદ પટેલના નિધનથી દુઃખી છું. દેશના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રાજકીય કારકિર્દી

એહમદ પટેલ 28 વર્ષે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પરથી ચૂંટાયા હતા. અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓ આઠ વાર સંસદસભ્ય રહી ચૂક્યા હતા, જેમાં તેઓ ત્રણ વાર લોકસભા અને પાંચ વાર રાજ્યસભામાંથી ચૂંટાયા હતા.

અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

એહમદ પટેલના નિધન પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રાએ શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જુન મોઢવાડિયા,પરેશ ધાનાણી અનેક નેતાઓએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

એહમદ પટેલના નિધન પર CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું

એહમદ પટેલના અવસાનથી શોકમગ્ન છું, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા હતી, પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે, એમ મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું.

એહમદ પટેલનો જન્મ ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પિરામણ  ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલના પુત્ર હતા. ભરૂચ જિલ્લાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાં મરહુમ એહમદભાઈની દફનવિધિ કરાશે.