‘આપ’ની ચૂંટણીની વ્યૂહરચના કોંગ્રેસથી સારીઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના કેટલાક દિવસો પછી પાટીદાર નેતા હાર્દિક પટેલે ગઈ કાલે જણાવ્યું હતું કે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેમણે આવનારી વિધાનસભાની ચૂંટણીને ભાજપમાં પક્ષમાં એકતરફી રહેવાની વાત કહી હતી.

કોંગ્રેસના 28 વર્ષીય ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું હતું કે ઓફર અને સોદા નબળા લોકો માટે છે. મજબૂત લોકો જગ્યા બનાવી લે છે. પોતાના બધા વિકલ્પ ખુલ્લા રાખવાની વાત કરતાં હાર્દિકે આપ પાર્ટીની ચૂંટણીની વ્યૂહરચનાને કોંગ્રેસ કરતાં સારી બતાવી હતી અને તેની પ્રશંસા કરી હતી.

આપમાં સામેલ થવા વિશે સ્પષ્ટતા નહોતી કરી, પણ તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તેઓ કોંગ્રેસને ક્યાંય નથી જોતા. તેમના જણાવ્યાનુસાર ગુજરાત ચૂંટણી રસપ્રદ નહીં હોય, કેમ કે એ એકતરફી હશે.

હાર્દિક પટેલ 2019માં કોંગ્રેસમાં સામેલ થયો હતો. અને 2020માં કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યો હતો.  તેમણે રાજીનામું આપતાં જણાવ્યું હતું કે પાર્ટીના ટોચના નેતાઓ મોબાઇલ પર વધુ વ્યસ્ત રહે છે અને એવો વ્યવહાર કરે છે કે તેઓ ગુજરાત અને ગુજરાતીઓથી નફરત કરે છે, જ્યારે રાજ્યના નેતાઓ તેમના માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

કોંગ્રેસઅધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત પત્રમાં હાર્દિકે નામ લીધા વગર રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું હતું કે દેશ જ્યારે પડકારોનો સામનો કરી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસને નેતૃત્વની જરૂર હતી તો કોંગ્રેસના નેતા વિદેશોમાં આનંદ લઈ રહ્યા હતા.