-અને કિશોરભાઇએ કરી નશામુક્ત જીવનની શરૂઆત

સુરત: નશાની શરૂઆતે તમને એ વાત નથી સમજાતી કે નશાની લત એક દિવસે, તમને જ ભરખી જશે. ઘણીવાર પરિસ્થિતિઓને આધીન થઇને માણસ નશાના ખોટા રસ્તે ચાલી તો નીકળે છે પણ પછી તેને એ નથી સમજાતું કે કેવી રીતે આ માર્ગથી પાછા ફરવું! આવું જ કંઇક થયું 45 વર્ષીય કિશોરભાઇ પટેલ સાથે. સુરતના ચોર્યાસી તાલુકાના મોરા ગામના વતની એવા કિશોરભાઇને દીકરો અને દીકરી એમ બે સંતાન. બંને બાળકો નોકરી કરે સાથે ખેતી પણ, પરિવારનો નિર્વાહ સારી રીતે ચાલી જાય તેટલી તો કમાણી થઇ જ જાય. પણ 2002માં માતાના મૃત્યુ પછી કિશોરભાઇના જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થઇ. અચાનક જ એમના માથે પરિવાર અને મોટી 3 બહેનોની જવાબદારી આવી ગઇ. કામ અને પારિવારીક મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તેમણે દારૂ પીવાની શરૂઆત કરી અને ન છૂટે એવી લત લાગી ગઈ. લગભગ 20 વર્ષથી કિશોરભાઇ દારૂનો નશો કરતા હતાં અને સમય જતાં સ્થિતિ વધુ વણસવા લાગી. છેલ્લા 5-6 વર્ષોમાં તો તે દારૂ પીને પત્ની અને બાળકો સાથે મારપીટ કરવા લાગ્યા. એટલું જ નહીં ગામના લોકો જોડે પણ તે ઝગડતા. કેટલીક નશામાં ચૂર થઈ ગામના ખૂણે પડી રહતા તો પત્ની કે બાળકો ઊંચકીને ઘરે લાવતા. સ્થિતિ એવી સર્જાઈ કે એમનું વર્તન પરિવારના સભ્યો સાથે પણ બગડવા લાગ્યું, પરિવારના પ્રસંગોથી એમને દૂર રાખવામાં આવતા. સમય જતાં કિશોરભાઇ નોકરી પર પણ મહિનામાં ગણીને 10-15 દિવસ માટે જ જવા લગ્યા. જ્યાં કામ કરતા હતા તે જગ્યાએથી પણ તેમને કહી દેવામાં આવ્યું કે દારૂ પીને આવશો તો ઓફિસમાં નહીં આવવા દઇએ.

એ દરમિયાન અદાણી ફાઉન્ડેશનની ટીમના સભ્યો તેમના પરિવાર અને ઓફિસના કર્મચારીઓને મળ્યા. તેમણે કિશોરભાઇની આ લત વિશે જાણકારી મેળવી. આ 2020નો સમય હતો. કિશોરભાઇના પરિવારને અદાણી ફાઉન્ડેશનના સભ્યોએ વ્યસન મુક્તિ કાર્યક્રમ વિષે જણાવ્યું. અને એમને સુરતના ‘પરિવર્તન ટ્રસ્ટ’ના નશામુક્તિ કેન્દ્રમાં 21 દિવસ માટે મોકલવા સમજાવ્યા. છેવટે કિશોરભાઇ, ફેબ્રુઆરી 2021માં 21 દિવસ માટે આ નશા-મુક્તિ પ્રોગ્રામમાં જોડાયા. એમણે નાશમુક્તિ કેન્દ્રથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો. પણ ટીમની સમજાવટથી તેમણે અહીં 21 દિવસનો પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ પછી તે નિયમિતપણે ફોલો-અપ સેશનમાં પણ જવા લાગ્યા. એ પછી તેમણે શપથ લીધા કે તે હવે દારૂનો નશો નહીં કરે. એટલું જ નહીં, હવે તો તે ગામના બીજા લોકોને દારૂના નશાથી મુક્ત રહેવા માટે સમજાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે અન્ય બે લોકોને પણ આ નશા મુક્તિ કાર્યક્રમનો ભાગ બનવા માટે સમજાવ્યા છે. તે બે જણે પણ આ કાર્યક્રમ પૂરો કર્યો છે. નશાથી મુક્ત થયા પછી કિશોરભાઇને તેમની જૂની નોકરી પણ પાછી મળી ગઇ છે. અને તે હવે ખંતપૂર્વક રીતે પોતાનું કામ કરી રહ્યા છે. તેમના સહકર્મીઓ અને સિનિયર પણ કિશોરભાઇના કામથી ખુશ છે.