રથયાત્રા ને ગણતરી ના દિવસો બાકી છે. ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ રથયાત્રા શાંતિ પૂર્વક પસાર થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એવા પ્રયાસ કરે છે. રથયાત્રા દરમિયાન વધારાના પોલીસ ફોર્સ ની સાથે અન્ય રાજ્યોની પોલીસ, અર્ધ લશ્કરી દળો ના જવાનો પણ બંદોબસ્ત માં બોલાવવામાં આવે છે. આ સાથે શહેર પોલીસ ના અધિકારીઓ અને સમાજના આગેવાનો કોમી એખલાસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરે છે.
આ વર્ષે 20 જૂન 2023 ની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસે શેરી નાટકનું આયોજન કર્યુ હતું. જગન્નાથ મંદિર પાસે જમાલપુર ના દરવાજા નજીક એક સ્ટેજ તૈયાર કરી શેરી નાટક ‘ પ્યાર બાંટતે ચલો ‘ રજૂ કરવામાં આવ્યું હતું. કોમી હુલ્લડો વખતે પોતાના જીવને જોખમમાં મુકી લોકોની એકતાને કાયમ રાખવા નીકળેલા અમદાવાદ શહેરના જ વસંત રજબને હિંસક ટોળાએ રહેંસી નાંખ્યા હતા. વસંતરાવ અને રજબઅલીની દોસ્તી ની અનેક ગાથાઓ રચાઈ. બંને ગાઢ મિત્રો ની શહીદી એળે ના જાય એ માટે સ્મારકો બનાવાયા.
અમદાવાદ માં કોમી એકતાની વાત આવે એટલે વસંત રજબને જરૂર યાદ કરાવવામાં આવે છે. ગત રાત્રે એ શહીદોને યાદ કરી જનતા સમક્ષ કોમી એકતા ને પ્રસ્તુત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર પોલીસ અને સામાજિક આગેવાનોના પ્રયાસથી ક્રિકેટ ટુર્નામેન્ટ, લોક સંપર્કનું આયોજન પણ કરવામાં આવે છે. દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈન્ફાનાઈટ સ્માઈલ ફાઉન્ડેશન તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા કોમી એખલાસ માટે રક્ત દાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)