ગોધરામાં બે જૂથો વચ્ચે અથડામણઃ 10ની ધરપકડ

અમદાવાદઃ રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક રસ્તાના ઉપયોગને લઈને જે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, એમ પોલીસે માહિતી આપી હતી. ગઈ કાલે સાંજે થયેલી અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી અને પોલીસે આ ઘટના સંબંધે 10 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે બે FIR નોંધી હતી. એમાં બંને પક્ષોના પાંચ-પાંચ લોકોનાં નામ નોંધવામાં આવ્યાં છે. પોલીસ આ વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે નોંધેલા FIR અનુસાર કાદરખાન પઠાને ફરિયાદ દાખલ કરી હતી, જે અનુસાર એક આરોપી મિત્રંગ પરમાર અને અન્ય વ્યક્તિઓએ એક રસ્તાનો ઉપયોગ કરવા બદલ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ તેમની વચ્ચે ચડસાચડસી થઈ હતી. ત્યાર પછી આ ઝઘડો એટલો વધ્યો હતો કે બંને જૂથના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ ઘટનામાં સામસામે પથ્થરમારામાં મહમંદભાઈને ઇજા પહોચી હતી. આઈ પથ્થરમારાની જાણ પોલીસને થતાં બી ડિવિઝનનો કાફલો પહોંચ્યો હતો. પથ્થરમારોનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો. ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335, 504, 143 અને 147 હેઠળ બંને જૂથોના પાંચ-પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.