સુરતઃ દરિયા કિનારાનાં પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૪-૨૫ ફેબ્રુઆરીએ સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય અને સ્થાનિકોને રોજી મળે એવા હેતુથી આયોજિત બીચ ફેસ્ટિવલમાં ૨૪મીએ સાંજે લોકગાયક કીર્તિદાન ગઢવી ડાયરામાં સુરતીઓને ડોલાવશે. બે દિવસ દરમિયાન ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર અને વિવિધ સ્પોર્ટ્સ જેવાં વિશેષ આકર્ષણો રહેશે.
આ બીચના વિકાસ માટે રૂ. ૪૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનાથી બીચનું આખું રૂપ બદલાઈ જશે. વિવિધ પ્રકારની પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરાશે. સુંવાલી બીચનો ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં વિકાસ થશે. ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત સિટીથી સામાન્ય લોકો બીચ સુધી જઈ શકે એ માટે અડાજણ બસ સ્ટેન્ડથી બપોરે એક બસની સુવિધા પણ આપવામાં આવશે. જે રાત્રે પરત આવશે. જરૂર પડશે તો બસની સંખ્યા વધારાશે. આ બસ સેવા બાદમાં કાયમી રહેશે, એમ તેમણે કહ્યું હતું. સુંવાલી બીચ પર દર વર્ષે ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ પણ બને છે એ બાબતે મંત્રીએ લોકોને દરિયામાં નાહવાનું કે ખોટા સ્ટંટ ન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત સલામતી ખાતર ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ તહેનાત રહેશે.