અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એક ક્રાંતિ છેઃ PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન મોદી હાલ અમદાવાદ પહોંચ્યા છે. અહીં તેમણે ગુજરાત સહકારી દૂધ સંસ્થાના (GCMMF)ના સ્વર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશાધ્યક્ષ સી. આર પાટીલ પણ હાજર રહ્યા છે.

વડા પ્રધાને અહીં અમૂલ બ્રાન્ડની સફળતાઓ વર્ણવી હતી અને એના સહકારનું સામર્થ્ય બતાવ્યું હતું. નાના-નાના પશુપાલકોની આ સંસ્થા આજે મોટા પાયે કામ કરી રહી છે. એ સંગઠનની શક્તિ છે, સહકારની શક્તિ છે. ગુજરાતના ગામડાંએ મળીને 50 વર્ષ પહેલાં જે છોડ વાવ્યો હતો, એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને એની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ચૂકી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશનની સ્વર્ણ જયંતી પર તમને સૌને શુભકામનાઓ.

દેશની સ્વતંત્રતા પછી દેશમાં બહુબધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલ જેવી કોઈ નહીં. અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખ બની ચૂકી છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને તેનાથી પણ મોટી સિદ્ધિઓ.’

દેશના ડેરી સેક્ટરની કરોડરજ્જુ મહિલાશક્તિ છે. દૂરગામી વિચાર સાથે લેવામાં નિર્ણયો કેટલીય વાર આવનારી પેઢીઓનું ભાગ્ય બદલી દે છે. અમૂલ એનું ઉદાહરણ છે. GCMMFના સુવર્ણ જયંતી પ્રસંગે સવા લાખથી વધુ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. GCMMF સહકારી સમિતિઓની એકજૂટતા, જેમની ઉદ્યમશીલતાની ભાવના અને ખેડૂતોના દ્રઢ સંકલ્પનું એક પ્રમાણ છે, જેણે અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડોમાંની એક બનાવી દીધી છે.