દેવોના શિલ્પશાસ્ત્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી

અમદાવાદઃ મહા સુદ તેરસને ગુરુવાર વિશ્વકર્મા જયંતીની ઉજવણી થઈ રહી છે. દેવોના શિલ્પકાર, સૃષ્ટિના સર્જનહાર અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વર્ગના લોકો વિશ્વકર્મા પ્રભુમાં આસ્થા રાખે છે. વિશ્વકર્મા જયંતી નિમિત્તે ચાંદલોડિયા અને રાણીપ સહિત શહેરનાં મંદિરોમાં કલા-કારીગરી સાથે સંકળાયેલા તમામ વર્ગના લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.

વિશ્વકર્માની મૂર્તિને શણગારવામાં આવી હતી. વિશ્વકર્મા મંદિરોના પ્રાંગણમાં વિશિષ્ટ પૂજા-આરતી  મેળવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા વિશ્વકર્મા સંકુલમાં ‘વિશ્વકર્મા મહાપુરાણ કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રો, પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિ પર અનેક રચનાત્મક કાર્યો કર્યાં છે. કેટલાક પ્રાંતો, સમાજ અને વર્ગમાં આજના દિવસે મશીનરી, ઓજારો, રચનાત્મક ચીજવસ્તુઓ બનાવતાં સાધનોની પૂજા કરવામાં આવે છે. પરંપરાગત શિલ્પકલા, લુહારીકામ અને કાષ્ઠકલા સાથે સંકળાયેલા વિશ્વકર્મા કારીગર સમાજના લોકો મંદિરો, સંકુલોમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)