ખેડૂત દેખાવોથી જોડાયેલા એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશઃ Xનો દાવો

નવી દિલ્હીઃ અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કની કંપની સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Xએ ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી જોડાયેલા અકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કરવા માટે કેન્દ્ર સરકારના આદેશથી ગુરુવારે અસહમતી વ્યક્ત કરી હતી. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું આહવાન કર્યું હતું.જોકે અસહમતી છતાં કંપનીએ કેટલાંક X એકાઉન્ટની સર્વિસને માત્ર ભારતમાં હંગામી ધોરણે અટકાવી દીધાં હતાં.આ મુદ્દે કેન્દ્ર સરકારે આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા નથી આવી.

ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગૃહ મંત્રાલયની વિનંતી પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી જોડાયેલા 177 સોશિયલ મિડિયા અકાઉન્ટ અને વેબ લિન્કને હંગામી ધોરણે બ્લોક કરવાના આદેશ આપ્યા હતા.

Xએ એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત સરકારે આદેશ જારી કર્યો છે, જે હેઠળ  Xને વિશિષ્ટ અકાઉન્ટ્સ અને પોસ્ટસ પર કાર્યવાહી કરવાની આવશ્યકતા છે, જે નોંધપાત્ર દંડ અને કારાવાસ સહિત સંભવિત દંડને આધીન છે. આ આદેશનું પાલન કરતાં અમે માત્ર ભારતમાં જ આ ખાતાંઓ અને પોસ્ટ્સ પર પ્રતિબંધ મૂકીશું. જોકે અને આ કાર્યવાહીથી અસહમત છીએ અને અમારું માનવું છે કે આ પોસ્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવવી જોઈએ. સોશિયલ મિડિયા પ્લેટફોર્મે કહ્યું હતું કે ભારત સરકારના આદેશને પડકારતી એક રિટ અપીલ હજી પેન્ડિંગ છે. એ સાથે પારદર્શિતા વધારવા માટે આ આદેશને જાહેર કરવાનું આહવાન કર્યું છે. Xએ કહ્યું હતું કે કાનૂની અડચણોને કારણે અમે શાસકીય આદેશ પ્રકાશિત નહીં કરી શકતા, પરંતુ અમારું માનવું છે કે એને જાહેર કરવા માટે પારદર્શિતા માટે આવશ્યક છે.