લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં કોંગ્રેસ, આપ વચ્ચે સીટ વહેંચણી મુદ્દે સહમતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને સહમતી બની રહી છે. દિલ્હીમાં ચાર સીટો પર આપ અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડે એવી શક્યતા છે. કોંગ્રેસ અને આપ દિલ્હી ગઠબંધનની ફોર્મ્યુલામાં આમ આદમી પાર્ટી નવી દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે. જ્યારે કોંગ્રેસ પૂર્વ દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી અને ચાંદની ચોકથી ચૂંટણી લડી શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના ઘરે ગઠબંધનને લઈને બેઠક થઈ હતી. હવે ટૂંક સમયમાં ઘોષણા થવાની શક્યતા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે બંને પક્ષોની વચ્ચે સીટ વહેંચણીને મુદ્દે કહ્યું હતું કે બહુ મોડું થઈ ચૂક્યું છે, પણ ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિર્ણય થશે. વર્ષ 2019 અને 2014માં લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બધી સાત સીટો પર ભાજપે જીત નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ પ્રારંભમાં કોંગ્રેસને દિલ્હીમાં માત્ર એક જ સીટ ઓફર કરી હતી, પરંતુ હવે વધુ સીટો પર સહમતી બની છે.

આપે પહેલાં કહ્યું હતું કે પાર્ટી ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં ગઠબંધન માટે ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓની સાથે વાતચીત કરી રહી છે. પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠકે હાલમાં કહ્યું હતું કે તેમની પાર્ટીએ કોંગ્રેસ પાસે ગુજરાતમાં 26 લોકસભા સીટોમાં આઠની માગ કરી હતી. પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત અને આસામમાં બે-બે અને ગોવામાં એક સીટ પર ઉમેદવારોની ઘોષણા કરી છે.