અમદાવાદઃ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના નિધિ-સમર્પણ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા માનનીય મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન, 13 ફેબ્રુઆરીએ શનિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદમાં થયું હતું, જેમાં શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમ જ કોષાધ્યક્ષ પૂજ્ય ગોવિંદદેવગિરિજી મહારાજે ખાસ પધારીને આશીર્વચન પાઠવ્યા.
તેમણે જણાવ્યું હતું કે જે સ્થાનથી રામશિલાના પૂજન સાથે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મંદિરનિર્માણની શીલાના પૂજનનો આરંભ થયો હતો એ સ્થાનમાં આજે પુનઃ રામમંદિર માટે એકત્રિત થયા છીએ ત્યારે એટલું કહીશ કે રામમંદિરની યાત્રાનો પ્રારંભ ભગવાન સોમનાથના મંદિરથી થયો હતો એટલે તેને રામમંદિરની યાત્રાની ગંગોત્રી કહીએ અને આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને તેનું ગૌમુખ કહેવું જોઈએ. અહીંથી આપણને બધાને પ્રેરણા આપતી ધારા વહી છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અંતઃકરણની તીવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર રામનું મંદિર ભવ્ય બનવું જોઈએ.‘
આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને આશીર્વાદ આપેલા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંતસ્વામી મહારાજ મંદિરનિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યાં છે, તે અનુભવ-દૃષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. આપણે સૌ ઇચ્છીએ કે જલદી મંદિર બને.’
સોશિયલ ડિસ્ટન્સ અને આનુષંગિક વ્યવસ્થા સાથે 150 નિમંત્રિતો-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ભગવાન શ્રીરામચંદ્રજીની સ્તુતિપૂર્વક વંદના કરવામાં આવી હતી. મંચ પર શ્રીરામમંદિર નિધિ-સમર્પણ સમિતિ, ગુજરાતના અધ્યક્ષ ગોવિંદભાઈ ધોળકિયા તેમ જ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત હતા.
શ્રીરામમંદિરનું ભૂમિપૂજન સમારોહ માટે બીએપીએસના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે શ્રીરામયંત્રનું પૂજન કરી આ મંદિરનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી, ભવ્ય મંદિર બને, રામરાજ્યની સ્થાપના થાય અને વિશ્વમાં શાંતિ થાય એ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.