લાયન્સ ક્લબ દ્વારા ICAC આર્ટ-ગેલેરીમાં પેઇન્ટિંગ પ્રદર્શન

અમદાવાદઃ લાયન્સ ક્લબ અને સેવા મૈત્રી ડિઝાયર દ્વારા ‘પેઇન્ટિંગ ફોર ચેરિટી’ અંતર્ગત સાત ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. ‘ચાલો કોઈના સ્મિતનું કારણ બનીએ’ સૂત્રને સાર્થક કરતાં બાળકોની સહાયતા હેતુસર સાતમી ફેબ્રુઆરી, 2021એ અમદાવાદની ICAC આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત ચિત્રોના વેચાણની આવકમાંથી 35 ટકાથી વધુ આવક અનાથ-નિરાધાર બાળકોની સહાયતા માટે આપવામાં આવશે.

આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં 51થી વધુ આર્ટિસ્ટના 110થી વધુ પેઇન્ટિંગ રજૂ થવાનાં છે. આ પ્રદર્શનનું ઉદઘાટન સાત ફેબ્રુઆરીએ સાંજે છ કલાકે જાણીતા ચિત્રકાર  નાગજીભાઈ પ્રજાપતિ, વિજય શ્રીમાળી, મનહર કાપડિયાના વરદ હસ્તે થઈ ચૂક્યું છે. આ આર્ટ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીતે લાયન મિલન દલાલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સૌરભ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લાયન ભારત છાજેર (ગવર્નર) અને બાલમુકુંદ શાહ અને લાયન મિત્રોએ ખાસ હાજરી આપી હતી.

આ પેઇન્ટિંગ એક્ઝિબિશન ૭ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સવારે ૧૧ કલાકથી એક કલાક અને પાંચ કલાકથી સાત કલાક દરમિયાન ICAC આર્ટ ગેલેરી, અમદાવાદમાં ખુલ્લું રહેશે. સર્વે કલારસિક જનતાને મુલાકાત લેવા નમ્ર વિનંતી છે. આ કાર્યક્રમનું આયોજન લાયન પ્રીતિ કનેરિયા, લાયન રાજેશ બારૈયા તથા  લાયન અજય ચૌહાણ કરી રહ્યાં છે.