612મી બર્થડેઃ અમદાવાદપ્રેમીનું વધુ એક પુસ્તક ‘અમદાવાદ ગૌરવગાથા’

અમદાવાદઃ નદીની રેતમાં રમતું નગર મળે ના મળે….અમદાવાદ શહેરને આજે 612 વર્ષ પૂરાં થયાં છે. શહેર આજે હેરિટેજ અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ જૂના માંચેસ્ટર વાઘાંની ઓળખ છોડીને નવાં રંગરૂપ સજી ચૂક્યું છે. પહેલાં પોળ અને દરવાજાથી ઓળખાતું અમદાવાદ હવે ઉત્સવઘેલું અને પર્વઘેલું છે અને કેવા ઉત્સાહથી ઉત્સવો ઊજવે છે. જોકે અમદાવાદની વાત હોય અને અમદાવાદ વિશે અમદાવાદપ્રેમી ડો. માણેક પટેલનો ઉલ્લેખ ના કરીએ તો અમદાવાદની બર્થડે અધૂરી રહે.

અમદાવાદ વિશે ડો. માણેક પટેલે અમદાવાદ વિશે સાતમું પુસ્તક હાલમાં ‘અમદાવાદની ગૌરવગાથા’ બહાર પાડ્યું છે. તેમણે આ પુસ્તકમાં અમદાવાદ વિશેનાં સર્વે પાસાંની માહિતીને સમાવતી ગૌરવગાથા લખી છે. તેમણે આ પુસ્તકમાં સાહિત્યકારો, ચિત્રકારો, સ્થપતિઓ, પત્રકારો, ઇતિહાસકારો, કેળવણીકારો, રાજકારણીઓ, નેતાઓ, ડોક્ટરો, સામાજિક કાર્યકરોના પરિચય આપ્યા છે. અમદાવાદની સાંસ્કૃતિક ગાથા સાથે અમદાવાદીઓના ભોજનરસ ને વાનગીઓને પણ રજૂ કરીને અમદાવાદની ભાતીગળ ઓળખ આપી છે. તેમણે અમદાવાદમય બનીને સંશોધન કરીને આ પુસ્તકને લખ્યું છે. આ પુસ્તક અમદાવાદ સર્વસંગ્રહ અને એન્સાઇક્લોપીડિયા છે.  

અમદાવાદના શહેરના ભૂત અને વર્તમાન વચ્ચેના સેતુરૂપ પુસ્તક એટલે ‘અમદાવાદ ગૌરવગાથા’ છે. તેમના 650 જેટલાં દળદાર પાનાંના આ પુસ્તકમાં ડો. પટેલે અમદાવાદના કલા-સંસ્કૃતિ, શિક્ષણ, સાહિત્ય, સ્થાપત્ય, સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગનો સર્વગ્રાહી પરિચય રજૂ કર્યો છે. આ પુસ્તકમાં તેમણે સેકંડો તસવીરો, ચિત્રો અને રેખાચિત્રો મૂક્યાં છે. આ પુસ્તકમાં અમદાવાદીઓની કેટલીક ખાસિયતો અને દર્શાવતાં કાર્ટૂનોનો પણ સમાવેશ કર્યો છે. જોકે લેખકે આ માટે 30 ઉપરાંત પરામર્શકોની મદદ પણ લીધી છે. તેમણે આ પુસ્તકમાં 60 ઉપરાંત તસવીરકારોની અને 80 જેટલા ચિત્રકારોની કૃતિઓનો સમાવેશ પણ કર્યો છે.     વળી, અમદાવાદ વિશે 19મી સદીથી કોઈ ને કોઈ પાસાં વિશે  નાનાંમોટાં પુસ્તક ડો. પટેલ લખતાં રહ્યાં છે. આ અગાઉ તેમણે અમદાવાદ વિશે પાંચ અને એક અંગ્રેજી પુસ્તક લખ્યું છે. ‘અમદાવાદ ગૌરવગાથા’ તેમના માટે યશ કલગીરૂપ કહી શકાય છે. તેમનું આ પુસ્તક ગૂર્જર સાહિત્યએ બહાર પાડ્યું છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]