ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના પ્રતિભાવંત રમતગમત ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે એવી સઘન તાલીમ અને તેમની રોજગારીની ચિંતા રાજ્ય સરકાર કરશે, તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ રોશન કરે અને સાથોસાથ તેમને સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે જિલ્લાઓમાં રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યાં છે.
મોબાઈલ ટુ સ્પોર્ટસની પહેલ
મુખ્ય પ્રધાને રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે મોબાઇલ ટુ સ્પોર્ટ્સ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજનામાં ૫૦૦ ગામડાઓમાં રમતનાં મેદાનો વિકસિત કરવાનાં ત્રિવિધ વિકાસકામોને ઈ-લોન્ચિંગ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કર્યાં હતાં. તેમણે રમતગમત રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આ નવતર પહેલના ફેસબુક પેજ પણ લોન્ચ કર્યા હતા.
ગુજરાત જેમ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં, ઇનોવેશનમાં, વિવિધ યુનિવર્સિટીઝની સ્થાપનામાં નંબર વન છે એમ રમતગમત ખેલકૂદ પ્રવૃત્તિઓમાં પણ આવનારા સમયમાં અગ્રેસર બને એવી આપણી નેમ છે. સરકારે છેક ગ્રામીણ સ્તરે રમત ગમત વિકસે તેવા પ્રયાસો રૂપે ૫૦૦ ગામડાઓમાં રમત-ગમતના મેદાનો વિકસિત કરવાની અભિનવ પહેલ કરી છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત મારફતે ખેલકૂદ તાલીમનું વિશાળ નેટવર્ક ઊભું કરીને દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ દ્વારા યુવા શક્તિને ઓલમ્પિકસ ગેમ સુધીની સઘન તાલીમ આપવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
રમશે ગુજરાત, જીતશે માટે ૫૦૦ કરોડનું બજેટ
રાજ્યમાં રમતગમત પ્રવૃતિના વિકાસ માટે ૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે. ખેલ મહાકુંભ અને કલા મહાકુંભથી યુવાશક્તિના ધગશ, કૌશલ્ય અને જુસ્સાને નિખારવાનો મંચ આપ્યો છે.