અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે, ત્યારે નગરજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે સંદર્ભે “સ્વેપ”-મતદાન જાગૃકતા પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર અમદાવાદમાં વૈવિધ્ય સભર કાર્યક્રમો થઈ રહ્યા છે.
આ અંતર્ગત તારીખ ૨૫/૦૧/૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસે ગૂગલ ફોર્મ તેમજ સોશિયલ મીડિયાના ફેસબુક-ટ્વિટર તથા અન્ય માધ્યમોથી એક જ દિવસે 30,300 નાગરિકો આ અભિયાનમાં જોડાયા હતા. જેમાં “હું અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અચૂક નૈતિક મતદાન કરીશ અને અન્યોને નૈતિક મતદાન કરવા પ્રેરિત કરીશ”- તે ટેગ લાઈન હેઠળ ઈ-સંકલ્પ અભિયાન સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ અભિયાનને વિશ્વ રેકોર્ડ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા આ એવોર્ડનો એનાયત સમારોહ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલે જણાવ્યું કે, મતદાન એ મહાદાન છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ જેના થકી ભારતની લોકશાહી વધુ મજબૂત બનશે. યુવાનો, બહેનો અને દિવ્યાંગો દરેક વ્યક્તિએ મતદાન દ્વારા પોતાની ફરજ બજાવીને ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવી છે. મહત્તમ લોકો મતદાન કરે તે સમયની માંગ છે. ભારતની પાસે સૌથી વધુ યુવાધન છે. યુવા મતદાતાઓ કોઈ પણ દેશ માટેનું ભવિષ્ય છે જો લોકશાહીને વધુ મજબૂત બનાવવી હોય તો યુવાઓએ વધુ જાગૃત થવાની જરૂર છે અને ફરજ રૂપે મતદાન કરે એ જ સૌથી મોટું યોગદાન છે એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે ગુલામીમાંથી ભારત બહાર આવ્યું અને લોકશાહી સ્થાપીને એક અલગ જ મજબૂત ભારત સમગ્ર દુનિયા સામે ઊભરી આવ્યું. આજે પણ ભારત દેશની લોકશાહી એટલે જ મજબૂત છે. લોકશાહી એ વાઈબ્રન્ટ છે અને આજનો યુવાવર્ગ વધુ સજાગ બનતો જાય છે ત્યારે કોરોનાના આવા કપરા કાળમાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ અન્ય તકેદારી રાખીને પોતાનો અમુલ્ય મત આપે તે સમયની માંગ છે. ચૂંટણીના મહોત્સવને કોવિડ -19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉજવવા તેમણે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક જણે ‘નૈતિક મતદાન’નો સંકલ્પ લીધો હતો. પ્રથમ વખતના મતદારોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર, અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા, જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી. પટેલ સહિત ‘સ્વેપ’ ના વિવિધ લાઈઝન ઑફિસર અને પ્રથમ વખતના મતદારો ઉપસ્થિત રહ્યાં હતાં.