ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને ઘૂસણખોર જાહેર કર્યો

અમદાવાદઃ હાઈકોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પાઠાનને વડોદરામાં સરકારી જમીન પર ઘૂસણખોરી કરનાર જાહેર કર્યો છે. વિવાદિત જમીન ખાલી કરવાનો આદેશ આપતાં કોર્ટે જણાવ્યું છે કે પ્રસિદ્ધ હસ્તીઓ કાયદાથી ઉપર ના હોઈ શકે અને તેમને છૂટ આપવી ખોટી પરંપરા સ્થાપિત કરે છે.

પ્રસિદ્ધ હસ્તીઓને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે: હાઈકોર્ટ

ન્યાયમૂર્તિ મોના ભટ્ટની સિંગલ બેન્ચે ગયા મહિને આ ચુકાદો આપ્યો હતો, જેમાં યુસુફ પઠાણની વડોદરાના તંદલજા વિસ્તારમાં આવેલા તેમના બંગલાને લગતી સરકારી જમીન પર કબજો રાખવાની અરજીને નામંજૂર કરી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોનો હવાલો આપતાં જણાવ્યું હતુ કે કાનૂની મામલામાં પ્રસિદ્ધ હસ્તીઓને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કાયદાના શાસનને નબળું પાડે છે.

જનતાનો વિશ્વાસ ઓછો થશે: હાઈકોર્ટ

હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતિનિધિ અને જાહેર વ્યક્તિત્વ તરીકે યુસુફ પઠાણની કાયદાનું પાલન કરવાની જવાબદારી વધુ છે. પ્રસિદ્ધ હસ્તીઓ પોતાની લોકપ્રિયતા અને જનતામાં હાજરીને કારણે લોકોના વર્તન અને સામાજિક મૂલ્યો પર ઊંડો પ્રભાવ પાડે છે. કાયદાનું ઉલ્લંઘન કરવા છતાં આવા લોકોને રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ન્યાયિક વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ ઘટે છે.

2012થી વિવાદ

આ વિવાદ 2012માં શરૂ થયો હતો, જ્યારે વડોદરા મહાનગરપાલિકાએ (VMC) યુસુફ પઠાણને નોટિસ આપી જમીન ખાલી કરવાની સૂચના આપી હતી. યુસુફ પઠાણ 2012થી જ આ જમીન પર કબજો જાળવી રહ્યો હતો તેણે આ નોટિસને પડકારી હતી અને હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. જોકે કોર્ટે માન્યું કે જમીન પર તેમનો ગેરકાયદે કબજો છે.