નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ટૂંક સમયમાં જ ભારત પોતાના પહેલા અંતરિક્ષ યાત્રીને મોકલશે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO)ના એક ગગનયાત્રીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની યાત્રા કરાવશે.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઈસરો અને નાસા સાથે મળીને એક સંયુક્ત મિશન પર કામ કરી રહ્યા છે. ઈસરો અને નાસાની સાથે પ્રાઈવેટ કંપની એક્સિઓમ સ્પેસ ત્રણેયનું આ પ્રથમ સંયુક્ત મિશન હશે. થોડા સમય પહેલાં જ નાસાએ આ સંયુક્ત મિશન માટે એક્સિઓમ સ્પેસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ મિશન ઓગષ્ટ-2024માં ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવી શકે છે.ગગનયાન માટે પસંદ કરવામાં આવેલા ભારતીય વાયુસેનાના ચાર પાયલોટમાંથી કોઈ એકની પસંદગી ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મિશન માટે કરવામાં આવશે. આ ચારેય ગગનયાત્રી બેંગલુરૂમાં અવકાશ યાત્રા માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે. ગગનયાન મિશન ઈસરો માટે એક મોટું મિશન છે. જેને વર્ષ 2025માં લૉન્ચ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.